કોરોનાએ બાકીના ઉદ્યોગની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેડ પણ ભાંગી નાખી : આવક ઘટતાં લોકોએ પોતાના બિનજરૂરી ખર્ચા પર કાપ મૂક્યો…?!?

છેલ્લા કેટલાય સમયથી કોરોનાને કારણે થિયેટરો બંધ હતાં તેને કારણે ફિલ્મો કાં તો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી હતી કે પછી તેની રિલીઝ ડેટને પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. હવે બીજી લહેરનું જોખમ ઓછું થયું છે ત્યારે ધીરે ધીરે થિયેટર્સ ખૂલી રહ્યાં છે અને લાંબા સમયથી અટકી પડેલી ફિલ્મો એક પછી એક થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

જોકે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બેલબોટમ’ની કમાણીના આંકડાઓ જોઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ફરી એક વખત ગૂંચવાઈ ગયા છે, કારણ કે પ્રોડ્યુસરે ખૂબ જ આશાથી આ બિગ બજેટ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ જે રીતે કમાણી થઈ રહી છે એ જોતાં હવે કોઈ બિગ બજેટ ફિલ્મ હાલ થોડાક સમય સુધી તો થિયેટરમાં રિલીઝ નહીં કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. ચાર દિવસમાં આ ફિલ્મે માત્ર રૂ. ૧૩.૪૫ કરોડની કમાણી કરી છે.

લાંબા સમય બાદ કોઈ બિગ બજેટ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી અને તેની સાથે ઘણા લોકોની આશાઓ જોડાયેલી હતી, પરંતુ આ બધા આશાના મિનારાઓ કડડડભૂસ થઈ ગયા છે. હવે કદાચ, ૨૦૨૨ સુધી થિયેટરમાં કોઈ બિગ બજેટ ફિલ્મ રિલીઝ નહીં જ થાય. જોકે, આટલા મોટા ફિયાસ્કા છતાંય ‘ચેહરે’ અને ‘થલાઈવી’ના પ્રોડ્યુસરે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાનું જોખમ ખેડવાનું નક્કી કર્યું છે. જોઈએ હવે તેમનું આ સાહસ કેટલું સફળ નીવડે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ આ ફિયાસ્કા માટે ડિસ્ટ્રિબ્યુશનમાં લોચા થયા હોવાનું જણાવ્યું હતું અને ડિસ્ટ્રિબ્યુટર તેમ જ એક્ઝિબિટર શેરિંગ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી. લોકલ લેવલ પર ફિલ્મની કોઈ જ પબ્લિસિટી કરવામાં આવી નહોતી. અક્ષય કુમારને જોનારો બહુ મોટો વર્ગ નાના શહેરનો સિંગલ સ્ક્રીનનો દર્શક છે અને પ્રિન્ટ પબ્લિસિટી ન થઈ હોવાથી વાત તેમના સુધી પહોંચી નહીં કે જેથી તે થિયેટરમાં જઈને પોતાના આ લાડકા સ્ટારની ફિલ્મ જોઈ શકે.

કોરોનાકાળ પહેલાંની વાત કરીએ તો સામાન્ય દિવસમાં અક્ષય કુમારની ફિલ્મ પહેલા દિવસે જ રૂ. ૧૫-૨૦ કરોડની કમાણી કરી લેતી હોય છે. ફિલ્મ ‘ગુડ ન્યુઝ’એ પહેલા દિવસે જ રૂ. ૧૭.૫૬ કરોડની કમાણી કરી હતી. માન્યું કે ફિલ્મ ‘બેલબોટમ’ની કમાણી અપેક્ષા કરતાં ઓછી થઈ છે, કારણ કે ૩૦% રેવન્યુ આપતાં મહારાષ્ટ્રનાં થિયેટરો બંધ છે. આ જ કારણ છે કે હવે બિગ બજેટ ફિલ્મની રિલીઝ પર સંકટ તોળાઈ રહ્યું છે. બિગ બજેટ ફિલ્મના મેકર્સ પણ સ્વીકારે છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં થિયેટર નહીં ખૂલે અને દેશભરમાં થિયેટરમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સીની પરવાનગી મળતી નથી ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. આ ઉપરાંત લોકોએ પણ પહેલાંની જેમ જ થિયેટરમાં આવવું પડશે અને એ માટે તેમની પાસે પૈસા હોવા જોઈએ, જે કોરોનાકાળમાં અઘરી બાબત થઈ ગઈ છે.

આવક ઘટતાં લોકોએ પોતાના બિનજરૂરી ખર્ચા પર કાપ મૂક્યો છે અને તેથી જ તમે ગમે એટલું સારું આપો કે પછી ગમે એટલા મોટા બજેટની ફિલ્મ લાવો એનો કોઈ જ ફાયદો નહીં થાય….!!!

ટૂંકમાં કહેવાનું થાય તો આ કોરોનાએ બાકીના ઉદ્યોગની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેડ પણ ભાંગી નાખી છે અને આ ઉદ્યોગને પણ બેઠા થવા માટે સારો એવો સમય લાગશે એ ચોક્કસ છે…!!!