જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં સુધી દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન….

જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં સુધી દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે, એમ કહીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવો વિવાદ ઉભો કર્યો છે તેમણે કહ્યું કે દેશમાં બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદાની વાત ચાલુ રહેશે જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે.

નીતિન પટેલ ગુજરાતના ગાંધીનગરમાં ભારત માતા મંદિર ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પટેલે વધુમાં કહ્યું કે, મારા શબ્દો લખો (mark my word), જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં સુધી કાયદો કોમવાદ વગરનો રહેશે. જો હજાર, બે હજાર વર્ષ પછી હિન્દુઓની સંખ્યા ઘટે તો તે દિવસે કોર્ટ નહીં, કાયદો નહીં, લોકશાહી નહીં, બંધારણ નહીં. બધું દફનાવવામાં આવશે. જ્યારે નીતિન પટેલે આ વાતો કહી ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને VHP અને RSS ના ટોચના નેતાઓ મંચ પર હાજર હતા. પટેલે કહ્યું, “હું દરેકની વાત નથી કરતો. મને એ પણ સ્પષ્ટ કરવા દો કે લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસ્લિમો છે, તે બધા દેશભક્ત છે.

નીતિન પટેલે જણાવ્યું કે આ તો બધું પુરૂં જ થવાનું છે. રાક્ષસો રાક્ષસોને જ મારે, પુરૂં જ થવાનું આનો કોઈ અંત નથી. આપણે તો આપણી તૈયારી રાખવાની. એ ભુટ્ટો એ વખતે એવું બોલેલો કે ‘અમે પાકિસ્તાનીઓ ભૂખ્યા રહીશું પણ અણું બોમ્બ બનાવીશું. આ તો એવા છે કે ભુટ્ટોને એના જ લોકોએ પતાવી દીધો. ગઈકાલે રાત્રે ધડાકા થયા, સવારે થયા રાક્ષસો રાક્ષસોને જ મારે. આપણે તો આપણી તૈયારી રાખવાની’ મુસ્લિમ સમાજના કુમળા બાળકો સ્કૂલમાં ભણતા હતા એમની સ્કુલમાં ધડાકા કર્યા. નમાજ પઢતા હોય ત્યાં બોમ્બ ધડાકા કરે. આપણે તો કાયમ કહીએ છીએ કે આતંકવાદીઓને કોઈ જ્ઞાતિ-જાતિ ધર્મ હોતો નથી. અફઘાનિસ્તાનમાં શું થયું એ જ થયું છે.

ગળામાં ‘જયશ્રીરામ’નો ખેસ પહેરીને જાહેર મંચ પરથી ઉપમુખ્યમંત્રીએ આ નિવેદન કર્યુ. એટલું જ નહીં મારો વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો મારા શબ્દો યાદ આવશે એવું પણ કહ્યું.