તાલિબાની નેતા અબ્દુલ ગની બરદાર સાથે સીઆઇએના ડિરેક્ટરે કાબુલમાં સોમવારે સામસામે ઉચ્ચસ્તરિય ગુપ્ત બેઠક યોજી હોવાના મીડિયા રિપોર્ટ….

તાલિબાનના ત્રાસવાદીઓ દ્વારા કાબુલ કબજે કરાયા બાદ પહેલી વખતે તાલિબાની નેતા અબ્દુલ ગની બરદાર સાથે સીઆઇએના ડિરેક્ટરે કાબુલમાં સોમવારે સામસામે ઉચ્ચસ્તરિય ગુપ્ત બેઠક યોજી હોવાની વાત મીડિયા રિપોર્ટમાં જાણવા મળી હતી.

અમેરિકા પોતાનું સૈન્ય પાછું ખેંચે એના બે સપ્તાહ અગાઉ જ ૧૫મી ઑગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને દેશ છોડીને યુએઇમાં શરણ લેવું પડયું હતું.
વોશિંગ્ટન પોસ્ટે અમેરિકાના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે આપેલી માહિતીને આધારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સીઆઇએના ડિરેક્ટર વિલિયમ જે. બર્ન્સે સોમવારે ગની સાથે આ ગુપ્ત બેઠક યોજી હતી. કાબુલ હવાઇમથકે ફસાયેલા લોકોને ઉગારવાના ચાલી રહેલા પ્રયત્ન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનું પોતાના વિદેશ સેવાના અનુભવી અધિકારીને કાબુલ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. લોકોને હવાઇમાર્ગે દેશમાંથી કાઢવાના અભિયાનને બાઇડેને ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી મુશ્કેલ અભિયાન ગણાવ્યું હતું.

અમેરિકા, પશ્ચિમના દેશો અને સાથી દેશોના અફઘાનિસ્તાનમાં ફસાયેલા હજારો નાગરિકો તાલિબાનના શાસનમાંથી બચવા માટે રાહ જોઇ રહ્યા છે, ત્યારે અમેરિકાના સાથી દેશો દ્વારા બાઇડેન પ્રશાસન પર અમેરિકાની સેનાને ૩૧મી ઑગસ્ટ બાદ જ્યાર સુધી બધા લોકો દેશની બહાર ન નીકળે ત્યાર સુધી રોકવા માટે દબાણ થઇ રહ્યું છે.

જોકે, ૩૧મી ઑગસ્ટ બાદ જો અમેરિકાની આગેવાનીવાળા અમેરિકા કે યુકેના સૈન્યદળને પાછા ખેંચવાની મુદત વધારવામાં આવશે તો એના માઠાં પરિણામની ધમકી તાલિબાનના પ્રવક્તાએ આપી છે.