પાકિસ્તાન અને ખાસ કરીને તેની ઇન્ટેલિજન્સ સર્વિસે તાલિબાનોએ  અફઘાનિસ્તાનનો કબજો મેળવ્યો તેમાં મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે : અમેરિકન કોંગ્રેસમેન સ્ટીવ શાબો

તાલિબાનોને પાળવા પોષવામાં અને બાદમાં અફઘાનિસ્તાન પર તેઓ કબજો મેળવી શકે એમાં  પાકિસ્તાન અને તેની ઇન્ટેલિજન્સ સર્વિસે ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એમ અમેરિકન કોંગ્રેસમેન સ્ટીવ શાબોએ જણાવ્યું હતું. રવિવારે હિન્દુ પોલિટિકલ ઍક્શન કમિટીને સંબોધતા સ્ટીવે ભારતને એ વાત પર શાબાશી આપી હતી કે તેણે તાલિબાનના જાલિમ શાસનથી બચવા અફઘાનિસ્તાનના લઘુમતી સંપ્રદાયોને ભારતમાં આવકાર્યા હતા.

‘આથી ઊલટું આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન અને ખાસ કરીને તેની ઇન્ટેલિજન્સ સર્વિસે તાલિબાનોએ  અફઘાનિસ્તાનનો કબજો મેળવ્યો તેમાં મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે. આવા ઘાતકી લોકોએ મેળવેલા વિજયને પાકિસ્તાની અધિકારીઓએ ઉજવ્યો એ ખરેખર ઘૃણાસ્પદ કહેવાય,’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓનું ઉત્પીડન થાય છે  પણ પાક. સરકાર આંખ આડા કાન કરે છે. જોકે, અમેરિકામાં રહેતા સાઠ લાખ હિન્દુઓ આ દેશના સમાજનો  જ એક અખંડ  ભાગ છે. ઉચ્ચ શિક્ષણ અને કામમાં મૂલ્યોની જાળવણી દ્વારા હિન્દુઓએ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમેરિકામાં હિન્દુઓ પ્રત્યે કોઇ ભેદભાવને અવકાશ નથી. જો દેશમાં ક્યાંય આવું થાય તો એ અમારા માટે ચિંતાનો વિષય હોય છે. આવું કંઇ થાય તો  તેનો અંત લાવવાના માર્ગ આપણે શોધતા રહેવા જોઇએ.