માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી વિલ્મરના આઇપીઓ પર રોક લગાવી….

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી વિલ્મરના આઇપીઓ પર રોક લગાવી દીધી છે. અદાણી વિલ્મર ૪૫૦૦ કરોડનો આઇપીઓ લાવવાની તૈયારીમાં હતી, પરંતુ હવે આ યોજના પર બ્રેક લાગી ગઈ છે. જોકે સેબીએ આ માટે કોઇ સ્પષ્ટતા કરી નથી.

કંપનીએ સેબી પાસે ત્રીજી ઓગસ્ટે દસ્તાવેજો જમા કરાવ્યાં હતાં. સેબીએ કોઇ કારણ જાહેર કર્યા સિવાય એવું જણાવ્યું હતું કે, અદાણી વીલ્મરના આઇપીઓ સંદર્ભે ‘ઇશ્યુઅનન્સ ઓફ ઓબ્ઝર્વેશન કેપ્ટ ઇન એબેયન્સ.’ આ અપડેટ સેબીની વેબસાઇટ પર ૧૩મી ઓગસ્ટે જોવા મળ્યું હતું. અદાણી જૂથના પ્રવકતાએ એવું નિવેદન આપ્યું હતું કે, અમને સેબી તરફથી કોઇ ઔપચારિક સૂચના મળી નથી. અત્યારે સ્થાનિક શેરબજારમાં અદાણીની છ કંપનીઓ લિસ્ટેડ છે.

AEL સિવાયની અન્ય કંપનીઓમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ એન્ડ સ્પોશિયલ ઇકોનોમિક ઝોનનો સમાવેશ છે.

સેબીની પોલિસી અનુસાર આઇપીઓ માટે અરજી કરનાર કંપનીના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં તપાસ ચાલી રહી હોય તો તેના આઇપીઓને ૯૦ દિવસ સુધી મંજૂરી આપવામાં નથી આવતી. ત્યારબાદ પણ આઇપીઓ પર ૪૫ દિવસ સુધી રોક લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે અદાણી વિલ્મર ૪૫૦૦ કરોડ રૂપિયા આ આઇપીઓ દ્વારા એકત્ર કરવા માંગે છે.