મુંબઈના લોકો બન્યા બેફિકર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની ઊડી ધજિયા….
કોરોના પ્રતિરોધક રસીના બે ડોઝ લેનારા નાગરિકોને ૧૫મી ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપતી જાહેરાત કર્યા બાદ રેલવેના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ટિકિટ મળી ન રહી હોવાને કારણે પ્રવાસીઓમાં નારાજગીનો સૂર જોવા મળ્યો હતો. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ૧૧ ઓગસ્ટ પહેલાં ૧૩ લાખ જેટલા પ્રવાસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. હવે આ આંકડો ૨૦ લાખ સુધી પહોંચ્યો છે. જ્યારે પશ્ચિમ રેલવેમાં ૧૨ લાખ પ્રવાસી પ્રવાસ કરી રહ્યા હતા, જેનો આંકડો ૧૭ લાખ પર પહોંચ્યો છે.
૧૫ ઓગસ્ટે લોકલમાં પ્રવાસ કરવાની સવલત મળ્યા બાદ બે સતત રજાના દિવસો આવવાને કારણે રેલવે સ્ટેશનોમાં ગિરદી જોવા નહોતી મળી. જોકે ૧૭મી ઓગસ્ટથી ગિરદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે રક્ષાબંધન નિમિત્તે પ.રેલવેના પ્રવાસીઓને થોડી રાહત મળી હતી, કારણ કે મેગા બ્લોક રદ કરવામાં આવ્યો હતો.
કોરોના પ્રતિબંધક વેક્સિનના બે ડોઝ લેનારા નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની સવલત મળી એની સામે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધવાને કારણે જોખમ પણ ઊભું થયું છે. ધસારાના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થતું ન હોવાથી કોરોનાની બીમારી ફરી માથું ઊંચકી શકે છે, એવો ભય પ્રવાસીઓ વ્યક્ત કર્યો હતો.
કોરોના વાઈરસને વધતો અટકાવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં માસ્ક પહેરવા મુદ્દે લોકો આંખ આડા કાન કરે છે. જોકે અનેક પ્રવાસી માસ્ક વિના પ્રવાસ કરતા હોય છે. ૧૭મી એપ્રિલથી રેલવેએ માસ્ક વિના પ્રવાસ કરનાર પ્રવાસી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મધ્ય અને પશ્ચિમ રેલવે પ્રશાસને ૧૯ ઓગસ્ટ સુધી ૧૦૮૯૪ માસ્ક વિના પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી ૧૭.૧૮ લાખનો દંડ વસૂલ્યો હતો.
ધસારાના સમયે ગિરદી થતી હોવાને કારણે ટ્રેનમાં પ્રવેશ કરવું મુશ્કેલીજનક છે. આનો ઉપાય એ છે કે ઑફિસના સમયમાં થોડો ફેરફાર થવો જોઈએ, એવું એક પ્રવાસીએ જણાવ્યું હતું. ખાનગી ઑફિસોના કામકાજના સમયમાં ફેરફાર કરવો જોઈએ કાં પછી બે શિફ્ટમાં કામ કરવાનો વિચાર કરવો જોઈએ. આ જ એક માર્ગ છે ધસારાના સમયમાં ગિરદીને કાબૂમાં કરવાનો, એવું એક પ્રવાસીએ જણાવ્યું હતું.
બે રસીના ડોઝ લીધા બાદ ૧૪ દિવસનો સમયગાળો શું કામ, એવો સવાલ પ્રવાસીઓ કરીને પ્રવાસીઓ દરરોજ ટિકિટબારી પર વિવાદ ઊભો કરતા હોય છે. બે વેક્સિન લીધાના અમુક જ કલાક બાદ મેલ-એક્સપ્રેસ કે વિમાનપ્રવાસ કરવાની છૂટ મળતી હોય છે તો પછી રેલવેમાં આવા નિયમો શું કામ…..???
એક મુંબઈકર પ્રવાસીએ EVERGREEN NEWS INDIA સાથે વાતચીતમાં જણાવ્યું કે મુંબઈના લોકો કંટાળયા છે. છેલ્લા દોઢેક વર્ષથી તકલીફ છે. લોકોને નોકરી ધંધે તો જવું જ પડે. વિરાર કે ભાઈદંર જેવા સ્થળોએ રહેતા લોકો માટે લોકલ ટ્રેન જ લાઈફ લાઇન છે. વેક્સિન સમયે મળતી નથી, 2 ડોઝ વચ્ચે સમયગાળો લાંબો છે. આથી ઘણા લોકો નછૂટકે ટિકિટ કે પાસ વગર મુસાફરી કરે છે. જો ટિકિટ કે પાસ વગર ક્યારેક પકડાય તો રિક્ષા કે ટેક્ષિમાં મુસાફરી કરી એમ સમજી દંડ પણ આપી દે છે.
૧૮થી ૪૪ વય ધરાવતા પ્રવાસીઓએ પહેલો ડોઝ જૂનમાં લીધો હતો. તેઓને બીજો ડોઝ ૮૪ દિવસના અંતર પછી અને તેમાં પણ બીજો ડોઝ લીધા પછી ૧૪ દિવસ બાદ જરૂરી છે. આને કારણે તેઓને કદાચ સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડશે. ૧૫ ઓગસ્ટથી સરકારે છૂટ તો આપી પણ ૧૮થી ૪૪ વર્ષની વય ધરાવતા લોકોને પ્રવાસ કરવો શક્ય નહીં બને. આથી તેઓ સરકાર ૧ ડોઝ લેનારી વ્યક્તિને પણ ટ્રેનમાં પ્રવાસ કરવાની સવલત આપે એવી આશા રાખી રહ્યા છે.