હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અફઘાનિસ્તાન અને વિશેષ કરીને કાબુલ સાથે મીઠાં સંસ્મરણો : અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી કેટલીક લોકપ્રિય હિન્દી ફિલ્મો….

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અફઘા-નિસ્તાન અને વિશેષ કરીને કાબુલ સાથે મીઠાં સંસ્મરણો છે. આજે આપણે અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી કેટલીક લોકપ્રિય હિન્દી ફિલ્મોની સ્મૃતિ તાજી કરીએ. આ યાદીમાં સૌથી પહેલું નામ ફિરોઝ ખાનની ’ધર્માત્મા’નું જ લેવું પડે. આ ફિલ્મનો પ્લોટ હોલીવૂડની અમર ફિલ્મ ’ધ ગોડફાધર’ પર આધારિત હોવાનું કહેવાયું હતું. હકીકતમાં એ મુંબઈના એ સમયના મટકા કિંગ રતન ખત્રીને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી. આ ફિલ્મ એના લાજવાબ રોમેન્ટિક સોન્ગ્સ (ક્યા ખૂબ લગતી હો’, તેરે ચેહરે મેં વો જાદુ હૈ’ અને ’તુમને કભી કિસી સે પ્યાર કિયા હૈ’) અને બુઝકશી સિક્વન્સ (અફઘાનિસ્તાનની એક પરંપરા)ને કારણે યાદગાર બની ગઈ. અલબત્ત એનો પ્રમુખ શ્રેય હીરો ઉપરાંત દિગ્દર્શકની જવાબદારી પણ સાંભળનારા ફિરોઝ ખાન અને સિનેમેટોગ્રાફર કમલ બોઝને જાય છે. ફિલ્મના એરિયલ શોટ દર્શકોની આંખોમાં વસી ગયા હતા.

મરાઠા મંદિર અને અન્ય કેટલાક થિયટરોના સંચાલક તરીકે વધુ પ્રખ્યાત શ્રી મનોજ દેસાઈ જેના સહ નિર્માતા હતા એ ’ખુદા ગવાહ’ (૧૯૯૨)ના કેટલાક હિસ્સાનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં અને વિશેષ કરીને કાબુલમાં થયું હતું. બાદશાહ ખાન અને બેનઝિર (અમિતાભ – શ્રીદેવી)ની લવ સ્ટોરી અને બુઝકશી આ ફિલ્મના મુખ્ય આકર્ષણ હતા.

મુકુલ એસ. આનંદ દિગ્દર્શિત આ ફિલ્મને અફઘાન લોકોએ પણ બહુ પસંદ કરી હતી. એ સમયના પ્રેસિડેન્ટ નજીબુલ્લા અહમદઝાઈ હિન્દી ફિલ્મોના ચાહક હતા અને તેમણે શૂટિંગ દરમિયાન કડક સલામતીનો બંદોબસ્ત સહિત અનેક સગવડો આપી હતી. લાજવાબ નિર્માણ, પ્રશંસનીય દિગ્દર્શન, લોકપ્રિય સંગીત અને બેમિસાલ અદાકારી આ ફિલ્મની સફળતાનાં મુખ્ય રસાયણ હતા. આ ફિલ્મને અફઘાન લોકોએ ઉમળકાથી આવકાર આપ્યો હતો.

૨૦૦૩માં ફિરોઝ ખાનની ’જાંનશીન’ના કેટલાક હિસ્સાનું શૂટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું. ફિલ્મના કલાકારોમાં ફિરોઝ ખાન, તેમનો પુત્ર ફરદીન ખાન અને સેલિના જેટલી મુખ્ય કલાકાર હતા. આ ફિલ્મને બોક્સ ઑફિસ પર મોળો આવકાર મળ્યો હતો.

૧૫ વર્ષ પહેલા આવેલી યશરાજ ફિલ્મ્સની ’કાબુલ એક્સપ્રેસ’નું ઘણુંખરું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર તરીકે જાણીતા કબીર ખાનની આ પહેલી ફીચર ફિલ્મનો વિષય ૨૦૦૧માં તાલિબાનના જુલમનો અંત અને ૨૦૦૧માં અમેરિકાની ઘૂસણખોરી પછી બદલાયેલા અફઘાનિસ્તાનના લોકજીવનનો રિપોર્ટ મેળવવા મોકલવામાં આવેલા બે ભારતીય પત્રકાર (જોન અબ્રાહમ અને અર્શદ વારસી)ની ફરતે હતો. આ ફિલ્મ અફઘાનિસ્તાનમાં રિલીઝ નહોતી કરવામાં આવી, પણ અફઘાન સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોવિડ – ૧૯ મહામારીને કારણે ૨૦૨૦માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ’તોરબાઝ’માં સ્યુસાઇડ બોમ્બર્સ તરીકે કામ કરવા પ્રલોભનો આપીને બાળકોને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એના પર ફોકસ  કરવામાં આવ્યું હતું. અંગત જીવનની અત્યંત દુ:ખદાયક ઘટના ભૂલી મેડિકલ પ્રોફેશનલ નસીર (સંજય દત્ત) ક્રિકેટની રમત દ્વારા બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરે છે. રોચક કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મને નબળા દિગ્દર્શનને કારણે મોળો આવકાર મળ્યો હતો.