તાલિબાનના કાબુલમાં પ્રવેશથી અફઘાનના નાગરિકો અને વિદેશીઓ ભાગ્યા : અફઘાનિસ્તાનને વ્યવસ્થિત કરવાના પશ્ચિમી દેશોના વીસ વર્ષના પ્રયાસ એળે ગયા….

તાલિબાનના ફાઇટરો કાબુલમાં પ્રવેશ્યા હોવાની અને એમણે સરકારને સત્તા સોંપવા જણાવ્યું હોવાની માહિતી જાણવા મળી હતી. તાલિબાન કાબુલની નજીક પહોંચતાવેંત અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રવિવારે દેશ છોડીને ભાગ્યા હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.

તાલિબાનના કાબુલમાં પ્રવેશથી અફઘાનના નાગરિકો અને વિદેશીઓ ભાગ્યા હતા અને આ સાથે અફઘાનિસ્તાનને વ્યવસ્થિત કરવાના પશ્ચિમી દેશોના વીસ વર્ષના પ્રયાસ એળે ગયા હતા.

નાગરિકો પોતાની મૂડી કાઢવા માટે કૅસ મશીનોની બહાર કતારમાં ઊભા હોવાની અને અમેરિકા અને અન્ય દેશોના દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે લઇ જવા માટે હૅલિકોપ્ટરો ઊડતા દેખાયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
અફઘાનિસ્તાનનું સુરક્ષાદળ ઊભું કરવા માટે અમેરિકા અને નાટોએ સેંકડો અબજ ડોલરનો ધૂમાડો કર્યો હોવા છતાં તાલિબાને એક સપ્તાહથી થોડા વધુ દિવસમાં અફઘાનિસ્તાનના લગભગ બધા જ શહેરો પર કબજો મેળવ્યો છે.

હજુ થોડા દિવસ અગાઉ જ અમેરિકાએ એવી આગાહી કરી હતી કે તાલિબાનોને કાબુલ પર કબજો મેળવતા એકાદ મહિનાનો સમય લાગશે, પણ અમેરિકાના હવાઇદળની મદદ હોવા છતાં તાલીબાને અફઘાનિસ્તાનની સેનાને ઝડપથી હરાવી અને ભગાડી હતી.

તાલિબાનો રવિવારે કાબુલની બહાર પહોંચ્યા હતા, પણ તેઓ શહેરની બહાર જ રહ્યા હતા. અવારનવાર ગોળીબારનો અવાજ શાંત થઇ ગયેલી સડકોને ભેદતો જણાય છે.

સરકારી કર્મચારીઓ કાર્યાલયો છોડીને ભાગ્યા હતા અને દૂતાવાસના કર્મચારીઓ દ્વારા સળગાવી દેવાયેલા મહત્ત્વના દસ્તાવેજોનો ધુમાડો ઊંચે ઊડતો દેખાઇ રહ્યો છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કતારના અલ-જઝીરાની અંગ્રેજી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે તેઓ કાબુલ શહેરનો શાંતિપૂર્ણ કબજો ઇચ્છે છે. સરકાર અને એમની વચ્ચે કોઇ જાતની વાટાઘાટ વિશે એણે ઇનકાર કર્યો હતો.