ઇન્ફર્મેશન ટેક્નોલોજી(IT)ના ૨૦૦૯માં બનાવવામાં આવેલા કાયદાને દૂર કર્યા વગર ૨૦૨૧માં આઇટીના નવા નિયમો લાવવાની જરૂર શું છે….??? મુંબઈ હાઇ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ….
ઇન્ફર્મેશન ટેક્નોલોજી(IT)ના ૨૦૦૯માં બનાવવામાં આવેલા કાયદાને દૂર કર્યા વગર ૨૦૨૧માં આઇટીના નવા નિયમો લાવવાની જરૂર શું છે?, એવો સવાલ હાઇ કોર્ટે શુક્રવારે કેન્દ્રીય સરકારને કર્યો હતો. આઇટીના નવા નિયમો પર સ્ટે મૂકવાની માગણી સાથે કરાયેલી બે અરજીઓ પરનો આદેશ હાઇ કોર્ટે અનામત રાખ્યો હતો. નવા આઇટી કાયદાની જોગવાઇઓને પડકારતી મુંબઈ હાઇ કોર્ટમાં કરાયેલી બે અરજી પરની સુનાવણી દરમિયાન અરજદારોએ જણાવાયું હતું કે નવા આઇટી નિયમો અસ્પષ્ટ અને કડક છે.
અરજદારો ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ધ લીફલેટ અને પત્રકાર નિખિલ વાગલેએ કોર્ટને જણાવ્યું હતું કે આ આઇટીના નિયમોને કારણે પત્રકારત્વની સ્વતંત્રતા અને બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલી વાણી સ્વતંત્રતા પર માઠી અસર પડશે. તેમ છતાં કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને અંતિમ સુનાવણી વગર કાયદા પર સ્ટે ન મૂકવાની દરખાસ્ત કરી હતી. અગાઉ ધ લીફલેટના વકીલ દારિયસ ખંબાતાએ કોર્ટને દરખાસ્ત કરી હતી કે આ નવા નિયમો પર તાત્કાલિક સ્ટે મૂકવામાં આવે.
આ નવા નિયમો નાગરિકો, પત્રકારો, ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ઓનલાઇન દ્વારા પ્રસિદ્ધ કરાતા અહેવાલો પર કાયદાઓ લાદશે, એમ જણાવતા અરજદારોએ અન્ય મુદ્દાઓ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફરિયાદ નિવારણની માગણી કરી હતી.
હાલના આઇટી કાયદાની જોગવાઇઓમાં અહેવાલોના નિયમનનો વિસ્તાર અને હિસાબી માગણી અસ્પષ્ટ છે તથા આર્ટિકલ-૧૯ હેઠળના વાણી સ્વતંત્રતાના બંધારણીય અધિકારનો ભંગ થાય છે, એમ અરજદારોએ જણાવ્યું હતું. ‘નવા નિયમો અસ્પષ્ટ અને કડક છે તથા તેને કારણે લેખકો, પ્રકાશનો, સામાન્ય નાગરિકો જેઓ ઇન્ટરનેટ પર કંઇ પણ મૂકે છે, તેમના પર માઠી અસર પડશે. આ નિયમો વાસ્તવિકમાં કારણ વગરના છે’, એમ તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું હતું.
આઇટીના નવા નિયમો મીડિયાને પુરાવા વગર સ્ટિંગ ઓપરેશન કરતા રોકશે. તેના પ્રમાણે જાહેર હસતીઓ વિરુદ્ધ બદનક્ષીભર્યા અહેવાલો પ્રસિદ્ધ નહીં શકાય. તેમ છતાં નિયમોમાં ચોક્કસ પુરાવા અને બદનક્ષીભર્યા અહેવાલો કયા છે તેની યોગ્ય વ્યાખ્યા કરાઇ નથી, એમ ખંબાતાએ જણાવ્યું હતું.