ફુગાવાનો દર અંકુશમાં રાખવામાં અત્યાર સુધી સફળતા મળી છે : નિર્મલા સીતારમણ

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે અમારી સરકાર આર્થિક સુધારા ચાલુ રાખવા કટિબદ્ધ છે અને તે કોવિડ-૧૯ના રોગચાળાથી અસરગ્રસ્ત આર્થિક વિકાસને ઝડપી બનાવવા તેમ જ અર્થતંત્રને ફરી મજબૂત કરવા દરેક કોશિશ કરીશું.

તેમણે જણાવ્યું હતું કે અમે ગરીબીને ઘટાડવા માટે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીએ છીએ. આ ઉપરાંત, ફુગાવાને કાબૂમાં રાખવાનું પણ ધ્યાન રાખીએ છીએ.

નિર્મલા સીતારમણે કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ ફુગાવાનો દર ચાર ટકાની નજીક રાખવા પર તાજેતરમાં ભાર આપ્યો હતો. સરકાર અને મધ્યવર્તી બૅન્ક ફુગાવાને કાબૂમાં રાખવા બનતા પ્રયાસ કરી રહી છે.
કેન્દ્રનાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે મોદી સરકાર અને આરબીઆઇ રોગચાળાના સમયે પણ આર્થિક પ્રશ્ર્નો ઉકેલવા માટે‘ભાગીદારો’ની જેમ કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય રાજકોષીય પાસાં પર બરાબર ધ્યાન આપી રહ્યું છે અને સંકલન કરાઇ રહ્યું છે. આર્થિક વિકાસને પ્રાધાન્ય અપાય છે. મધ્યવર્તી બૅન્ક અને અમે આર્થિક વિકાસને ઝડપી બનાવવા બનતી કોશિશ કરી રહ્યાં છીએ.

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અમને ફુગાવાનો દર અંકુશમાં રાખવામાં અત્યાર સુધી સફળતા મળી છે.