રસીના બંને ડોઝ લેનારા નાગરિકોને 15મી ઑગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવતા પાસ મેળવવા માટેની ઓનલાઈન સુવિધા…..
રસીના બંને ડોઝ લેનારા નાગરિકોને 15મી ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવતા પાસ મેળવવા માટેની ઓનલાઈન સુવિધા ચાલુ કરવામાં આવી છે. એના અનુસાર ‘યુનિવર્સલ ટ્રાવેલ પાસ’ માટે પ્રવાસીઓ કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન મારફત સરકારની વેબસાઈટ https:/ /epassmsdma.mahait.org પર અરજી કરી શકે છે. આ ઈ-પાસ પ્રવાસીઓ પોતાના મોબાઈલમાં સેવ કરીને તેને ટિકિટ વિન્ડો પર બતાવીને રેલવે પાસેથી માસિક પાસ લઈ શકશે.
જોકે, આ સિસ્ટમ માટે યોગ્ય લાભાર્થીએ વેબસાઈટ પર ગયા પછી પોતાનો મોબાઈલ નંબર લખવાનો રહેશે, ત્યારબાદ મોબાઈલ પર એસએમએસ મારફત તમને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મળશે, જેમાં ઓટીપી નંબર, લાભાર્થીનું નામ, મોબાઈલ નંબર, રેફરન્સ નંબર સહિત અન્ય માહિતી મોકલવાની રહેશે. આ માહિતી લખ્યા પછી તમે પાસ લેવા માટે લાયક છો કે નહીં તેની ચકાસણી ઓટોમેટિક થશે. એ પછી ‘જનરેટ પાસ’ ઓપ્શન આવશે તેના પર ક્લિક કર્યા બાદ તમને ઓટોમેટિક અરજદારની વિગત દર્શાવશે, જેમાં પહેલી તથા બીજી રસીનો ડોઝની વિગત પણ હશે.
પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ સેલ્ફ ઈમેજ વિકલ્પમાં તમે તમારો ફોટોગ્રાફ અપલોડ કરી શકો છો. આ પ્રક્રિયા પૂરી કર્યા પછી એસએમએસ મારફત તમને 48 કલાકમાં લિંક મોકલવામાં આવશે. એક વાર લિંક મોકલવામાં આવ્યા પછી ઈ-પાસ મળશે. યુનિવર્સલ ટ્રાવેલ પાસ મેળવાનરી વ્યક્તિએ ઑફલાઈન વેરિફિકેશન અથવા હેલ્પ ડેસ્ક પર જવાની આવશ્યકતા નથી, એમ પાલિકાના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.