ગણેશોત્સવ માટે ૨૦૨૦ની નિયમાવલી આ વર્ષે પણ લાગુ પડશે : ગણેશોત્સવ સમન્વય સમિતિની બેઠકમાં મુંબઈ પાલિકાની સ્પષ્ટતા….

મુંબઈમાં આ વર્ષે પણ ગણેશોત્સવ સાદાઇથી ઉજવવાની અપીલ મુંબઈ પાલિકા દ્વારા કરવામાં આવી છે. ગણેશોત્સવ માટે ૨૦૨૦ની નિયમાવલી આ વર્ષે પણ લાગુ પડશે, એમ ગણેશોત્સવ સમન્વય સમિતિની બેઠકમાં પાલિકાએ સ્પષ્ટ કર્યું હતું. તેથી કોરોનાના નિયમોનું પાલન કરવા માટેનું સોગંદનામું ગણેશોત્સવ મંડળોએ રજૂ કરવું પડશે.

કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. મંડપમાં આવનારા દરેક ભક્તો અને મંડળના કાર્યકર્તાઓને માસ્ક પહેરવું ફરજિયાત હશે. મંડપમાં એક સમયે પાંચ કરતા વધુ કાર્યકર્તાઓ રહેશે નહીં. ગણપતિના આગમન અને વિસર્જન વખતે પાંચ કરતા વધુ લોકો સામેલ થઇ શકશે નહીં. ગણેશોત્સવની પૂર્વ તૈયારી માટેની બેઠક હાલમાં જ પૂરી થઇ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગયા વર્ષે પણ ગણેશોત્સવમાં ધૂમધામ કરવામાં આવી નહોતી. ગયા વર્ષે જે મંડળોને પરવાનગી આપવામાં આવી હતી તેમને આ વર્ષે પણ પરવાનગી આપવાની શરૂઆત થઇ ગઇ છે. કૃત્રિમ તળાવ, ગણેશમૂર્તિ સંકલન કેન્દ્રની કાર્યવાહી અને સંખ્યા પણ ગયા વર્ષ પ્રમાણે જ હશે.

વિસર્જન વખતે દરિયાકિનારા પર ભક્તોની થતી ભીડને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સાર્વજનિક ગણેશમૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું ફરજિયાત છે. આ અંગેનો અંતિમ નિર્ણય ગણેશોત્વ પહેલા લેવામાં આવશે.