મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સ્કૂલ ખોલવા માટે બુધવારે સવારે બહાર પાડેલો સત્તાવાર પરિપત્ર પાછો ખેંચ્યો : રાજ્ય સરકાર નિર્ણય નથી લઈ શક્તી….!!!
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સ્કૂલ ખોલવા માટે બુધવારે સવારે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ મોડી સાંજે આ અંગે ફરી વિચારણા કરવા માટે ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજાઇ હતી, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું. રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઇ રહ્યો હોવાથી શાળા શરૂ કરવાની માગણીએ જોર પકડ્યું હતું.
ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થઇ રહ્યું હોવાથી સરકારે રાજ્યમાં શહેરી વિસ્તારમાં આઠમા-બારમા ધોરણના તથા ગ્રામીણ ભાગમાં પાંચમા-સાતમા ધોરણના પ્રત્યક્ષ વર્ગો ૧૭મી ઑગસ્ટથી શરૂ કરવાની મંજૂરી આપી હતી અને આ સંદર્ભે બુધવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) પણ બહાર પાડવામાં આવી હતી. જોકે, મોડી સાંજે સરકારે યુટર્ન લીધો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, સ્કૂલ ખોલવા બાબતે ટાસ્ક ફોર્સ સાથે ફરી એક વાર ચર્ચા કરવામાં આવશે. બાળકોનું વેક્સિનેશન થયું ન હોવાથી ટાસ્ક ફોર્સના સભ્યોએ શાળાઓ ફરી શરૂ કરવાના સરકારના નિર્ણય મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવી નથી. બીજી તરફ અન્ય રાજ્યમાં બાળકોમાં કોરોનાના કેસ જણાઇ આવી રહ્યા છે.
નિષ્ણાતો દ્વારા પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થવાનું કહેવામાં આવ્યું છે. તેથી જો સ્કૂલો શરૂ કરવામાં આવે તો બાળકોના જીવ સામે જોખમ ઊભું થઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે મોડી સાંજે જ મુખ્ય પ્રધાને સ્કૂલ શરૂ કરવા બાબતે ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી અને ગઇ કાલે સાંજે બહાર પાડેલો જીઆર પાછો ખેંચ્યો હતો. સમાચાર લખવા સુધી કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો.