મોદી સરકારનો યુ ટર્ન : ૨૦૧૮માં બંધારણમાં સુધારો કરીને રાજ્યો પાસેથી છીનવેલી અન્ય પછાત વર્ગ(ઓબીસી) માટે અનામતની યાદીમાં સમાવેશ કરવાની સત્તા ફરી પાછી રાજ્યો પાસે….!!!

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની જોગવાઈમાં સુધારો કરતો ખરડો લોકસભામાં રજૂ કર્યો તેની અત્યારે ચર્ચા છે. આ ખરડો બંધારણીય સુધારા ખરડો છે અને આ સુધારા દ્વારા મોદી સરકાર ઓબીસી અનામતનો લાભ કોને આપવો તે નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારોને આપશે. મતલબ કે, આ ખરડો પસાર થશે પછી ઓબીસી અનામતનો લાભ આપવા માટેની યાદીમાં નવી જ્ઞાતિઓનો સમાવેશ કરવાની સત્તા રાજ્ય સરકારો પાસે આવી જશે કે જે હાલમાં કેન્દ્ર સરકાર પાસે છે. આ ખરડાને તમામ વિપક્ષોએ ટેકો આપ્યો છે તેથી આ ખરડો પસાર થવો એ એક ઔપચારિકતા જ છે. મોદી સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી નથી પણ વિપક્ષો પડખે છે તેથી આ ખરડો પસાર થવામાં વાંધો નહીં આવે. ટૂંકમાં આ ખરડો પસાર થાય ને તેનો અમલ થાય એ સામી ભીંતે લખાયેલું છે.

મોદી સરકારના આ બંધારણીય સુધારાને ભાજપના ઘણા નેતા ઐતિહાસિક ગણાવી રહ્યા છે. મોદી સરકાર આ બંધારણીય સુધારો કરીને પછાતોની સ્થિતિ સુધારવાની દિશામાં મોટું કદમ ઉઠાવી રહી હોવાના દાવા પણ થઈ રહ્યા છે અને મોદીની તારીફમાં કસિદા પઢવામાં આવી રહ્યા છે. આ બધી વાતો આ દેશમાં બૌદ્ધિકતાનું દેવાળું ફૂંકાઈ ગયાના પુરાવારૂપ છે કેમ કે મોદી સરકાર પોતાની મરજીથી આ સુધારો નથી લાવી રહી પણ તેને આ સુધારો કરવાની ફરજ પડી રહી છે.

સીધી ને સટ વાત કરીએ તો મોદી સરકાર થૂંકેલું ચાટી રહી છે, કેમ કે પહેલાં ઓબીસી અનામતની યાદીમાં સમાવેશ કરવાની સત્તા રાજ્યો પાસે હતી જ પણ મોદી સરકારને બધું પોતાના તાબા હેઠળ લેવાનો શોખ છે તેથી ૨૦૧૮માં બંધારણમાં સુધારો કરીને એ સત્તા છિનવી લીધી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલી અનામતને ગેરબંધારણીય ઠેરવી તેના કારણે મોદી સરકાર ભેરવાઈ ગઈ કેમ કે આ ચુકાદામાં ૨૦૧૮માં કરાયેલા બંધારણીય સુધારાને આધાર બનાવાયો છે. તેના કારણે ભેરવાયેલી મોદી સરકાર પોતાના માથે દોષનો ટોપલો ના આવે એ વાસ્તે હવાતિયાં મારતી હતી.  આ હવાતિયાંના ભાગરૂપે જ મોદી સરકારે જખ મારીને આ બંધારણીય સુધારાનો ખરડો લાવવો પડ્યો છે.

સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતના મુદ્દે આપેલા ચુકાદાને કારણે મોદી સરકારને બરાબરનો બૂચ વાગી ગયો છે. આ વાતને સમજવા માટે ઓબીસી અનામત અંગેના ચુકાદાને સમજવો જ જરૂરી છે. ૨૦૧૮માં દેવેન્દ્ર ફડણવીસની ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે ૧૬ ટકા અનામતની જોગવાઈ કરી તેને હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ૨૦૧૯ના જૂન મહિનામાં બોમ્બે હાઈ કોર્ટે આ અનામતને કાયદેસર ગણાવતાં ભાજપ અને મરાઠા સમુદાય બંનેને હાશકારો થયો હતો પણ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ હતી. થોડા મહિના પહેલાં સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદાને રદ્દબાતલ કરીને મરાઠાઓને અપાયેલી ૧૬ ટકા અનામતને ગેરકાયદેસર જાહેર કરી દીધી.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં  અનામતને લગતા બે સૌથી મહત્ત્વના મુદ્દા અંગે બંધારણીય જોગવાઈ શું છે તેનું અર્થઘટન કર્યું હતું.  પહેલો મુદ્દો રાજ્ય સરકારોને કોઈ જ્ઞાતિ કે સમુદાયને અનામત આપવાનો અધિકાર છે કે નહીં તેને લગતો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, રાજ્ય સરકારોને આવો કોઈ અધિકાર નથી. જસ્ટિસ અશોક ભૂષણ, એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ. રવિન્દ્ર ભાટની બનેલી બેંચે તડ ને ફડ ભાષામાં કહ્યું છે કે, રાજ્યોને સામાજિક આર્થિક પછાત જ્ઞાતિ (સોશિયલી ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ-એસઈબીસી)ની યાદીમાં કોઈ જ્ઞાતિ કે સમુદાયનો ઉમેરો કરવાનો કોઈ અધિકાર નથી. ૧૯૯૩થી દેશનાં રાજ્યો પાસે આ અધિકાર હતો પણ દેશની સંસદે ૨૦૧૮માં ૧૦૨મો બંધારણીય સુધારો કરીને આ અધિકાર છિનવી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે આ બંધારણીય સુધારાના આધારે જ મરાઠા અનામત રદ્દ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એ વખતે પણ સ્પષ્ટ કરેલું કે, કોઈ પણ રાજ્યને કોઈ જ્ઞાતિને ઓબીસી યાદીમાં સમાવેશ કરવો હોય તો તેની ઓળખ કરીને તેનો સમાવેશ એસઈબીસી કેટેગરીમાં કરવાનું કેન્દ્ર સરકારને માત્ર સૂચન કરી શકે. કેન્દ્ર રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ (નેશનલ બેકવર્ડ ક્લાસીસ કમિશન-એનબીસીસી)ને આ સૂચન મોકલે. તેના દ્વારા સર્વે સહિતની પ્રક્રિયા પાર પડાય ને તેમાં યોગ્ય લાગે પછી માત્ર ને માત્ર રાષ્ટ્રપતિને જેની ભલામણ કરાઈ હોય તે જ્ઞાતિ કે સમુદાયનો પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરી શકે, એ સિવાય કોઈ જ્ઞાતિને પછાત ગણાવીને અનામતનો લાભ ના આપી શકાય.

સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના સંદર્ભમાં મોદી સરકારે લીધેલા બીજા એક નિર્ણયની વાત કરવી પણ જરૂરી છે. ૨૦૧૭માં  મોદી સરકારે પછાત વર્ગો માટે નવું પંચ રચવાનું નક્કી કર્યું હતું. એ પહેલાં આપણે ત્યાં બેકવર્ડ ક્લાસ કમિશન હતું જ પણ મોદી સરકાર તેનું પડીકું કરી નાખી તેના બદલે નેશનલ સોશિયલ, ઈકોનોમિક બેકવર્ડ ક્લાસ  (એનએસઈબીસી) કમિશન નામે નવું કમિશન બનાવવાનો નિર્ણય લીધો હતો. મોદી સરકારે આ પંચને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. તેનો મતલબ એ થાય કે આ પંચ જે પણ નિર્ણય લે તેના અમલ માટે સંસદની મંજૂરી જરૂરી હતી. પહેલાં જે બેકવર્ડ ક્લાસ કમિશન હતું તે સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક દરજ્જો ધરાવતું હતું. આ પંચ જે નિર્ણય લે તેના માટે સંસદની મંજૂરી જરૂરી નહોતી. મોદી સરકારે તેના બદલે સંસદની મંજૂરી જરૂરી બનાવી હતી અને ૨૦૧૮માં જે સુધારો કર્યો તેમાં આ બાબતને આવરી લીધી હતી.

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે સંસદની મંજૂરી વિના જ મરાઠાઓને ઓબીસી ગણાવીને અનામત આપી દીધી તેથી સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવતાં મોદી સરકાર ભેરવાઈ ગઈ. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે ચાલાકીથી મરાઠાઓને અનામત ના મળી એ માટે મોદી સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો. ફડણવીસ સરકારે બંધારણીય જોગવાઈને સમજ્યા વિના કાચું કાપી નાખ્યું હોવાનો આક્ષેપ મૂક્યો તેમાં ભાજપની હાલત બગડી ગઈ. મહારાષ્ટ્ર મોટું રાજ્ય છે ને મરાઠા અનામતના મુદ્દે મહારાષ્ટ્ર હાથથી જાય એ ભાજપને પરવડે તેમ નથી તેથી ભાજપ બચવા હવાતિયાં મારતો જ હતો અને તેના ભાગરૂપે છેવટે બંધારણીય સુધારો લાવવો પડ્યો છે.

મોદીએ રાજ્યો પાસેથી ઓબીસી લિસ્ટમાં સમાવેશ કરવાનો અધિકાર વિપક્ષોને ફટકો મારવા માટે જ છિનવ્યો હતો.  પહેલાં  કોઈ જ્ઞાતિનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરવો હોય તો સંસદની મંજૂરી નહોતી લેવી પડતી. બેકવર્ડ કમિશન નક્કી કરેલા નિયમો પ્રમાણે સર્વે કરાવી લે ને તેના આધારે ભલામણ કરે એટલે જે તે જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ થઈ જાય. વિપક્ષ શાસિત રાજ્યો તેનો લાભ ઉઠાવીને પોતપોતાનાં રાજ્યોમાં ઓબીસી અનામતનું કાર્ડ ખેલીને રાજકીય ફાયદો ના લઈ જાય એટલે મોદી સરકારે બંધારણીય સુધારો કરીને એ અધિકાર છિનવી લીધો હતો.

હવે મોદી સરકાર રાજ્યોને એ અધિકાર આપશે તેથી અનામતનું રાજકારણ પાછું પૂરજોશમાં ચાલુ થઈ જશે. મોદી સરકારે રાજકીય કારણોસર આ નિર્ણય લીધો છે અને વિપક્ષોએ પણ રાજકીય કારણોસર તેને ટેકો આપ્યો છે તેથી બંને વચ્ચે રાજકીય ફાયદો મેળવવા માટે સાવ હલકી કક્ષાની હોડ જામશે. આપણે ત્યાં અનામત એ લોકોનું ભલું કરવાનું નહીં પણ રાજકીય લાભ મેળવવાનું હથિયાર છે તેથી ભાજપ ને વિપક્ષ બંને આ હથિયારનો પોતપોતાના ફાયદા માટે ઉપયોગ કરશે જ. બલ્કે તેની તૈયારીઓ શરૂ થઈ જ ગઈ છે.

આવતા વરસની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ને એ પહેલાં ઓબીસી અનામતની લહાણી કરવા માટે હોડ જામશે. ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથ સરકારે ૩૯ જ્ઞાતિને ઓબીસી અનામતનો લાભ આપવાની તૈયારી કરી લીધી હોવાના પણ સમાચાર છે. યુપી મોટું રાજ્ય છે તેથી તેના તરફ સૌનું ધ્યાન સૌથી પહેલાં ખેંચાય પણ ધીરે ધીરે બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારની ખેરાત શરૂ થશે જ. જે પક્ષ સત્તામાં છે એ જાહેરાત કરશે ને જે સત્તામાં નથી એ વચન આપશે તેથી હવે પછી ઓબીસી અનામતનું ગંદું રાજકારણ પૂરજોશમાં ચાલશે જ.

મોદી સરકારે લીધેલો નિર્ણય કમનસીબ છે ને દેશના હિતમાં નથી. મોદી સરકારે રાજ્યો પાસેથી ઓબીસી લિસ્ટમાં સમાવેશ કરવાની સત્તા છિનવી ત્યારે લાગેલું કે, મોદી અનામતના ગંદા રાજકારણને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બીજા શાસકો ના લઈ શકે એવું જોરદાર પગલું તેમણે લીધું છે પણ ત્રણ વર્ષમાં જ આ માન્યતાનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે. મોદી પણ બીજા રાજકારણીઓ જેવા જ સાબિત થયા છે. મોદી પણ અનામતનું ગંદું રાજકારણ રમીને સત્તા ટકાવવાના રવાડે ચડી ગયા છે. પહેલાં મેડિકલ એડમિશનમાં ઓબીસી કાર્ડ રમ્યા ને હવે આ બંધારણીય સુધારો લઈ આવ્યા.