રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ : ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.
રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.
નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે.