કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરને કારણે દેશનાં સાત મુખ્ય શહેરોમાં ગૃહના વેચાણમાં આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં ૫૮ ટકાનો ઘટાડો…

અગ્રણી ડેટા વિશ્લેષક કંપની પ્રોપેર્ટીવિટીએ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરને કારણે દેશનાં સાત મુખ્ય શહેરોમાં ગૃહના વેચાણમાં આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં ૫૮ ટકાનો ઘટાડો થયો છે.

ગત એપ્રિલથી જૂન સુધીના સમયગાળાના ગૃહ વેચાણની આંકડાકીય માહિતી અનુસાર રહેણાંક પ્રોપર્ટીનું વેચાણ જે આગલા ત્રિમાસિકગાળામાં ૧,૦૮,૪૨૦ નંગનું થયું હતું તેની સામે ઘટીને ૪૫,૨૦૮ નંગની સપાટીએ રહ્યું છે. આમ કોવિડ-૧૯ની બીજી લહેરને કારણે પ્રોપર્ટીના વેચાણમાં ૫૮ ટકાનો ઘટાડો થયો હોવાનું પ્રોપઈક્વિટીએ એક યાદીમાં જણાવ્યું હતું. સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશનાં ઘણાં શહેરોમાં કડક લૉકડાઉન અમલી હોવાથી ગૃહોના વેચાણમાં ઘટાડો થયો હતો તેમ જ ગૃહોના રજિસ્ટ્રેશન રદ થવાની સાથે લોન છૂટી કરવાનું પ્રમાણ પણ મંદ પડ્યું હોવાનું યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે બેંગાલુરુ, ચેન્નાઈ, મુંબઈ મેટ્રોપોલિટિયન રિજયન, દિલ્હી-એનસીઆર અને પૂનામાં ગૃહ વેચાણમાં આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં અનુક્રમે ૫૫ ટકાનો, ૫૯ ટકાનો, ૪૯ ટકાનો, ૫૭ ટકાનો, ૬૩ ટકાનો, ૪૩ ટકાનો અને ૬૨ ટકાનો ઘટાડો થયો છે.

રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં માર્ચ મહિનાથી ધીમી ગતિએ સુધારો આવી રહ્યો છે. તેમ જ વિકાસકો દ્વારા માર્કેટિંગ ડિસ્કાઉન્ટ, સુવિધાઓ, પેમેન્ટની સ્કીમ ઓફર કરી રહ્યા હોવાથી આગામી તહેવારોની મોસમમાં માગમાં વૃદ્ધિ જોવા મળે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું પ્રોપઈક્વિટીનાં મૅનૅજિંગ ડિરેક્ટર સમીર જસુજાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં બેંગાલુરુ ખાતે ગૃહોનું વેચાણ ૫૫ ટકા ઘટીને ૫૪૮૭ નંગનું, ચેન્નાઈ ખાતે વેચાણ ૫૯ ટકા ઘટીને ૨૦૮૪ નંગનું, હૈદરાબાદ ખાતે વેચાણ ૪૯ ટકા ઘટીને ૬૪૬૩ નંગનું, કોલકાતા ખાતે વેચાણ ૫૭ ટકા ઘટીને ૧૬૦૩ નંગનું, એમએમઆર ખાતે વેચાણ ૬૩ ટકા ઘટીને ૧૫,૫૬૨ નંગનું, દિલ્હી-એનસીઆર ખાતે વેચાણ ૪૩ ટકા ઘટીને ૪૪૬૫ નંગનું અને પૂના ખાતે વેચાણ ૬૨ ટકા ઘટીને ૯૫૪૪ નંગનું થયું હતું.

જોકે, સમીક્ષા હેઠળના સમયગાળામાં વર્ષાનુવર્ષ ધોરણે દેશના સાત મુખ્ય શહેરોમાં ગૃહોનું વેચાણ ગત સાલના સમાનગાળાના ૨૯,૯૪૨ નંગના વેચાણ સામે ૫૧ ટકાના વધારા સાથે ૪૫,૨૦૮ નંગની સપાટીએ રહ્યું હતું.