મુંબઈની શાન ગણાતી ડબલ ડેકર બસ રસ્તા પરથી ગાયબ થવાના આરે : મુંબઈના રસ્તા પર હાલ માત્ર ૪૦ ડબલ ડેકર બસ જ દોડી રહી છે….

મુંબઈગરાની માનીતી અને એક સમયે મુંબઈની શાન ગણાતી ડબલ ડેકર બસ રસ્તા પરથી ગાયબ થઈ ગઈ છે. મુંબઈના રસ્તા પર હાલ માત્ર ૪૦ ડબલ ડેકર બસ જ દોડી રહી છે. બેસ્ટ ઉપક્રમ ૧૦૦ જેટલી ઈલેક્ટ્રિક બસ ખરીદવાની છે. પરંતુ ભંડોળના અભાવે આ પ્રસ્તાવ હાલ રખડી પડયો છે.

બેસ્ટ ઉપક્રમ પાસે ૧૯૯૩ સુધી ૯૦૧ જેટલી ડબલડેકર બસ હતી. પંરતુ બસની ઉંમરના હિસાબે બેસ્ટના કાફલામાથી એક-એક ડબલ ડેકર બસ ઓછી થતી ગઈ હતી. તેમાં પાછું ફલાયઓવરની સંખ્યા વધતી ગઈ હતી, તેથી ડબલ ડેકર બસ દોડાવવામાં પણ તકલીફ આવતી હતી. બેસ્ટ મોટા પ્રમાણમાં ખોટમાં હોવાથી બેસ્ટને ડબલ ડેકર બસની જાળવણી કરવાનું પણ આર્થિક રીતે પરવડતું નથી. તેથી બેસ્ટ ઉપક્રમ પાસે ૧૨૦ ડબલ ડેકર બસ બાકી રહી હતી. જોકે બસની ઉમરના હિસાબે મોટાભાગની બસ ભંગારમાં જતી રહી હતી.  હાલ બેસ્ટ ઉપક્રમ પાસે માત્ર ૪૦ બસ બચી છે.

બેસ્ટ પ્રશાસને ૧૦૦ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવાની યોજના બનાવી હતી. પરંતુ બેસ્ટની મુખ્ય સમસ્યા આર્થિક ભંડોળ છે. એક ડબલ ડેકર બસની કિંમત ૬૮થી ૭૦ લાખ રૂપિયાની આસપાસ હોય છે. તો એક ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસની કિંમત એક કરોડ ૭૦ લાખ રૂપિયાની આસપાસ થાય છે. બેસ્ટ ઉપક્રમે પોતાના કાફલામાં રહેલી કુલ બસના ૧૫ ટકા બસ  ઈલેક્ટ્રિક કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે બેસ્ટ પ્રશાસન લગભગ ૩૮૦ જેટલી ઈલેક્ટ્રિક બસ ૨૦૨૦ સુધી લેવાની છે. પરંતુ બેસ્ટની આર્થિક હાલતને જોતા ડબલડેકર બસ માટે ભંડોળ ઊભું કરવાનું પડકારજનક છે.

મુંબઈમાં ૧૯૩૭માં પહેલી વખત રસ્તા પર ડબલડેકર બસ દોડી હતી. તો મુંબઈમાં હાલ છત્રપતિ શિવાજી મહારાજ-નરિમન પોઈન્ટ, બાંદરા સ્ટેશન, કુર્લા સ્ટેશન, બાંદરા સ્ટેશન, બાંદરા-કુર્લા કોમ્પલેક્સ જેવા ૯ રૂટ પર હાલ ડબલ ડેકર દોડે છે. એક ડબલડેકર બસની પ્રતિકિલોમીટરે આવક માત્ર ૬૫.૮૬ રૂપિયા છે. તેથી સામે તેનો ખર્ચ પ્રતિકિલોમીટરે ૨૦૦.૪૬ રૂપિયા છે. બેસ્ટ પાસે હાલ ૩૨૬૭ બસ છે. જેમાંથી પોતાની માલિકીની ૧,૯૯૯ ગાડી છે. તો ભાડા પર ૧,૨૬૮ ગાડી છે. ડિઝલ ૯૩૬, સીએનજી ૨૧૦૦ ગાડી છે. ૨૩૧ ઈલેક્ટ્રોનિક બસ છે.