ભારત અને ચીન ૧૨મી કૉર્પ્સ કમાન્ડર કક્ષાની લશ્કરી મંત્રણા : એલએસીના વિસ્તારમાં સ્થિરતા લાવવા અને સંયુક્ત રીતે શાંતિ અને સમાધાન લાવવા માટે બંને પક્ષ સહમત….

ભારત અને ચીને સંયુક્ત રીતે જાહેર કરેલા નિવેદનમાં સોમવારે જણાવ્યું હતું કે બંને દેશની સેના લદાખના બાકી રહેલા મુદ્દા ઉકેલવા સહમત થઇ છે અને ૧૨મી કૉર્પ્સ કમાન્ડર કક્ષાની લશ્કરી મંત્રણાને સફળ ગણાવી હતી.

મંત્રણાના બે દિવસ બાદ ભારતીય આર્મીએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-ચીનના પશ્ચિમી ક્ષેત્રે આવેલી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ ક્ધટ્રોલ (એલએસી)ના સરહદી વિસ્તારમાંથી બંને સેનાને પાછી ખેંચવાને મામલે સઘન અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશના કમાંડરોએ નોંધ્યું હતું કે આ મંત્રણા લાભપ્રદ રહી હતી અને એને લીધે બંને દેશ વચ્ચેની સમજમાં વધારો થયો હતો. હાલની વ્યવસ્થા અને પ્રોટોકોલ પ્રમાણે બાકીના મુદ્દા ઉકેલવા થયેલી ચર્ચાને આધારે બંને બાજુએ તૈયારી દર્શાવી હતી.

એમાં વધુમાં જણાવાયું હતું કે એલએસીના વિસ્તારમાં સ્થિરતા લાવવા અને સંયુક્ત રીતે શાંતિ અને સમાધાન લાવવા માટે બંને પક્ષ સહમત થયા છે.