પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાતા વિવાદના કારણે રિયાલિટી ટીવી શોથી દૂર રહેશે શિલ્પા

અત્યારે બોલીવૂડમાં એક જ હોટ ટોપિક છે અને એ એટલે રાજ કુંદ્રા અને પોર્નોગ્રાફી કૌભાંડ… રાજ તો અત્યારે કસ્ટડીમાં જ છે, પણ તેના આ કુકર્મના છાંટા શિલ્પા શેટ્ટી પર પણ ઉડ્યા છે. શિલ્પા શેટ્ટી હાલ તો કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહી પણ તે એક ડાન્સ રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે કામ કરી રહી છે, પણ આ પ્રકરણને કારણે તેણે આ શોના શૂટિંગમાં જવાનું પણ છોડી દીધું છે. જોકે, એ વખતે એવી ચર્ચા ચાલી રહી હતી કે ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી ફરી શૂટિંગ માટે આવશે. પરંતુ હવે જાણવા મળેલી માહિતી અનુસાર શિલ્પા હજી થોડોક સમય સુધી આ શોથી દૂર રહેશે અને તેની જગ્યાએ હવે રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસોઝા આ શોમાં જજ તરીકે કામ કરતાં જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિતેશ તથા જેનેલિયા ગેસ્ટ જજ બનીને શોમાં આવશે. બંને ગીતા કપૂર તથા અનુરાગ બસુ સાથે શોને જજ કરશે. રિતેશ તથા જેનેલિયાને આ શો ઘણો જ પસંદ છે અને તેથી જ તેઓ એક જ વારમાં શોમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાનું નામ અશ્લીલ વીડિયો પ્રોડ્યૂસ કરવામાં તથા એપ પર અપલોડ કરવામાં આવ્યું છે. પહેલાં કોર્ટે ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપી હતી, ત્યારબાદ ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે રાજને ૧૪ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પતિ રાજ પોર્નોગ્રાફી કેસમાં ફસાતા શિલ્પા એકદમ ભાંગી પડી છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ જ્યારે રાજને ઘરે લઈને આવ્યા ત્યારે શિલ્પા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ હતી. તેણે રાજ સાથે ઉગ્ર દલીલો કરી હતી. ક્રાઇમ બ્રાંચે મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હવે વિચારવાની વાત તો એ છે કે પોતાના ઘરમાં જ જો આવું કોઈ કામ થઈ રહ્યું છે તો એની જાણ પત્નીને ના થાય એ તો કઈ રીતે શક્ય બને? પણ ભાઈસા’બ આ જ દુનિયા છે અને અહીંયા આ જ રીતે બધું ચાલ્યા કરે છે. આ વિવાદના થોડાક દિવસ પહેલાં જ રાજની પહેલી પત્નીએ પણ તેને માટે થઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને એ વખતે પણ આખો પરિવાર રાજના બચાવમાં આવી ગયો હતો. હવે દિવસે-દિવસે આ પ્રકરણે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જોઈએ આ પ્રકરણ હજી કેટલું લાંબું ચાલશે, અને તેનો રેલો કોના કોના પગ નીચે આવશે….?

હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘હંગામા ટુ’ રિલીઝ થઈ હતી અને દર્શકો લાંબા સમય બાદ શિલ્પાને સ્ક્રીન પર જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા, એટલું જ નહીં તેઓ શિલ્પાના અભિનયથી પણ એકદમ અભિભૂત થઈ ગયા હતા.