વાર્ષિક પાંચ કરોડ રૂપિયા કરતા વધુ ટર્નઑવર ધરાવતા કરદાતાઓને વાર્ષિક રિટર્ન સાથે જાતે સર્ટિફાઈ કરેલું સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની સુવિધા….

પાંચ કરોડ રૂપિયા કરતા વધુ ટર્નઑવર ધરાવતા જીએસટી કરદાતાઓ હવે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા ઑડિટ કરાયેલું સર્ટિફિકેટ રજૂ કરવાને બદલે તેમનું વાર્ષિક રિટર્ન જાતે સર્ટિફાઈ કરી શકશે, એમ સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સ ઍન્ડ કસ્ટમ્સ (સીબીડીટી)એ કહ્યું હતું.

વર્ષે સરેરાશ બે કરોડ રૂપિયા સુધીનું ટર્નઑવર ધરાવતા બિઝનેસને બાદ કરતા તમામ રજિસ્ટર્ડ બિઝનેસ માટે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાર્ષિક રિર્ટન જીએસટીઆર ૯/૯એ ફાઈલ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત પાંચ કરોડ રૂપિયા કરતા વધુનું વાર્ષિક ટર્નઑવર ધરાવતા કરદાતાઓએ જીએસટીઆર-૯સી રૂપે સુસંગત સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે. અગાઉ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા ઑડિટ કરવામાં આવ્યા બાદ આ સ્ટેટમેન્ટને સર્ટિફાઈ કરાવવું પડતું હતું.

એક જાહેરનામા મારફતે જીએસટીના નિયમોમાં સુધારો કરીને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા કરતા વધુ ટર્નઑવર ધરાવતા કરદાતાઓને વાર્ષિક રિટર્ન સાથે જાતે સર્ટિફાઈ કરેલું સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની સુવિધા કરી આપી છે.

સીબીડીટીના જણાવ્યા અનુસાર આ કરદાતાઓ ૩૧ ડિસેમ્બર પહેલાં જાતે સર્ટિફાઈ કરેલું સ્ટેટમેન્ટ ફાઈલ કરી શકશે જેને કારણે હજારો કરદાતાઓને રાહત થશે.

સાચી અને યોગ્ય વિગતો ધરાવતું વાર્ષિક રિટર્ન તૈયાર કરવાની જવાબદારી કરદાતાઓની હશે.