ગુજરાત સરકાર દ્વારા કોરોના નિયંત્રણોમાં છૂટછાટ : આઠ  મહાનગરોમાં રાત્રિ કરફયૂ રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધી, લગ્ન સમારોહમાં હવે ૨૦૦ને બદલે ૪૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે…

સાર્વજિનક ગણેશોત્સવ ચાર ફૂટની ગણેશજીની પ્રતિમા સાથે ઉજવવા માટે સરકારની મંજૂરી

ગુજરાતમાં હવે કોરોના વાઈરસથી ધીમે ધીમે છુટકારો મળી રહ્યો છે જેને પગલે સરકારે પણ કોરોના નિયંત્રણોમાં છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે. આ વર્ષે રાજ્યમાં સાર્વજિનક ગણેશોત્સવને ચાર ફૂટની ગણેશજીની પ્રતિમા સાથે ઉજવવા માટે સરકારે મંજૂરી આપી છે એટલુ જ નહીં હવે લગ્ન સમારંભોમાં પણ ૪૦૦ મહેમાનોને હાજર રાખવાની છૂટ મળી છે.

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો હોવાથી રાજ્ય સરકારે આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર સહિતના આઠ  શહેરને રાત્રિ કરફયૂમાંથી એક કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે ૨૦૦ને બદલે ૪૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે અને આ આઠ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન  વિજય  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા  નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફયૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧મી જુલાઈ થી એક  કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ આઠ  મહાનગરોમાં રાત્રિ કરફયૂનો અમલ હાલ રાત્રિના ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધીનો છે તે ૩૧મી જુલાઈથી રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે.

રાજ્યમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧મી જુલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે. જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.