ગુજરાત સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી છે. તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવી શકાશે. જ્યારે HRCTનો ચાર્જ જે 3 હજાર રુપિયા હતો તેમાં ઘટાડો કરી 2 હજાર 500 રુપિયા કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્રીજી લહેરની સાવચેતી માટે સરકારે આગોતરા આયોજન કરવાનાં શરૂ કરી દીધાં છે. જે અનુસાર ખાનગી લેબમાં લેવાતા ચાર્જમાં ઘટાડો કરવાનો પણ નિર્ણય લેવાયો છે. નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને બુધવારે જણાવ્યું હતું કે હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવો હોય તો એનો દર ઘટાડવામાં આવ્યો છે. કિટની કિંમતોમાં ઘટાડો થયો છે.

ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700માંથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયા હતો, એમાં ઘટાડો કરીને હવે 550 રૂપિયા કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય એનો અત્યાર સુધી 4 હજાર રુપિયા ચાર્જ હતો, એ ઘટાડીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ 3 હજાર રુપિયા હતો, જેમાં ઘટાડો કરી રૂ.2 હજાર 500 કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. ત્યારે સરકારે RT-PCR ટેસ્ટનો દર ઘટાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાનાની પરિસ્થિતિ થાળે પડતી જાય છે. વેપાર-ધંધા પણ મૂળ સ્વરૂપે આવતા જાય છે. જેઓને બીજો ડોઝ લેવાનો થાય છે તેવા વ્યક્તિઓ માટે પણ આ રવિવારે વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વેક્સિન નો જથ્થો જેમ જેમ રાજ્યને પ્રાપ્ત થતો જાય છે તેમ તેમ કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી લહેરમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ, જિલ્લાકક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.