૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ડિફોલ્ટરોની સંખ્યા અગાઉના વર્ષના ૨૨૦૮થી વધીને ૨૪૯૪ થઈ ગઈ : નાણાં પ્રધાન નિર્મલા સીતારમન
૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ડિફોલ્ટરોની સંખ્યા અગાઉના વર્ષના ૨૨૦૮થી વધીને ૨૪૯૪ થઈ ગઈ હોવાનું નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું.
રાજ્ય સભામાં આપેલા લેખિત ઉત્તરમાં તેમમે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા ગ્લૉબલ ઑપરેશન્સના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જાહેરક્ષેત્રની બેંકોએ નૉન પર્ફોમિંગ એસેટ્સ (NPA)ની રૂ. ૩,૧૨,૯૮૭ કરોડની રિકવરી કરી હતી.
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર ૩૧ માર્ચ ૨૦૧૯ના ડિફોલ્ટરોની સંખ્યા ૨૦૧૭, ૩૧ માર્ચ ૨૦૨૦ના ૨૨૦૮ અને ૩૧ માર્ચ ૨૦૨૧ના ડિફોલ્ટરોની સંખ્યા ૨૪૯૪ હતી.
આરબીઆઈના જણાવ્યા અનુસાર બેન્કોએ સેન્ટ્રલ રિપોઝિટરી ઑફ ઈન્ફોર્મેસન ઑન લાર્જ ક્રૅડિટ (સીઆરઆઈએલસી)ને આપેલી માહિતી મુજબ જાહેરક્ષેત્રની બેંકો દ્વારા ખાનગીક્ષેત્રની કંપનીઓને આપવામાં આવેલી અને એનપીએ વર્ગીકૃત થયેલી લૉનનો આંક ૩૧ માર્ચ ૨૦૧૯, ૩૧ માર્ચ ૨૦૨૦ અને ૩૧ માર્ચ ૨૦૨૧માં અનુક્રમે રૂ. ૫,૭૩,૨૦૨ કરોડ, રૂ. ૪,૯૨,૬૩૨ કરોડ અને રૂ. ૪,૦૨,૦૧૫ કરોડ રહ્યો હતો.
લેણાંની બાકી નીકળતી રકમની વસૂલી કરવા બેંકોએ જરૂરી જણાય ત્યાં ધિરાણ લેનારાઓ તેમ જ ગૅરેન્ટરો વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી આરંભવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. જરૂર જણાય ત્યાં ડિફોલ્ટરો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ બેંકો આરંભી શકે, એમ તેમણે કહ્યું હતું.
અન્ય એક પ્રશ્નનો ઉત્તર આપતા નાણાં પ્રધાને કહ્યું હતું કે વર્ષ ૨૦૧૯-૨૦માં જાહેરક્ષેત્રની બેંકોએ રૂ. ૧,૭૫,૮૭૬ કરોડની લેણાંની રકમ માંડી વાળી હતી જેની સરખામણીએ વર્ષ ૨૦૨૦-૨૧માં આ રકમનો આંક ઘટીને રૂ. ૧,૩૧,૮૯૪ કરોડ થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. સરકાર દ્વારા અપનાવવામાં આવેલી સુધારાની નીતિને કારણે એકંદરે એનપીએમાં ઘટાડો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. ૩૧ માર્ચ ૨૦૧૫માં એનપીએનું પ્રમાણ ૧૧.૯૭ ટકા રહ્યું હોવાની સરખામણીએ ૩૧ માર્ચ વર્ષ ૨૦૨૧ સુધીમાં એ પ્રમાણ ઘટીને ૯.૧૧ ટકા થઈ ગયું હતું.