બે દેશના સૈનિકો સામસામે આવીને લડે એ રીતે ભાજપ શાસીત રાજ્યો આસામ અને મિઝોરમની પોલીસો વચ્ચે ધિંગાણું : ભાજપનો આ તે કેવો રાષ્ટ્રવાદ….?!?

ભારતમાં બે રાજ્યો વચ્ચેનો વિવાદ ઉગ્ર ને હિંસક બને એ નવી વાત નથી. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં નદીઓના, પાણી કે ભાષાના મુદ્દે આવા ડખા નિયમિત રીતે થાય છે. આ હિંસામાં બે-પાંચ માણસો ઢબી જાય એવું પણ બને છે, પણ સરહદી ઝગડામાં બે રાજ્યોની પોલીસ સામસામે આવી જાય ને બંને વચ્ચે ગોળીબાર થાય, તેમાં એક રાજ્યના પોલીસો મરી જાય એવું સોમવાર પહેલાં લગી નહોતું બન્યું. સોમવારે આસામ અને મિઝોરમના સરહદના ઝગડામાં એવું બની ગયું.

આસામ અને મિઝોરમ વચ્ચે લાંબા સમયથી સરહદના મુદ્દે ચાલતા ટંટામાં બંને રાજ્યોની પોલીસ સામસામે આવી ગઈ. બે દેશના સૈનિકો સામસામે આવીને લડે એ રીતે બંને રાજ્યોની પોલીસો વચ્ચે સામસામો ગોળીબાર થયો ને તેમાં આસામના પાંચ પોલીસોનાં મોત થયાં. બંને રાજ્યોનાં સરહદી ગામોનાં લોકો વચ્ચે તો લાંબા સમયથી હિંસા થતી જ હતી તેથી એ લોકો પણ તક મળતા હાથ સાફ કરવા આવી ગયા. બંને વચ્ચે જોરદાર પથ્થરમારો થયો અને તેમાં કેટલાયનાં માથાં ફૂટ્યાં.
આ ઘટના પછી આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા ને મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથંગા વચ્ચે ટ્વિટર પર જામી ગઈ. આ ઘટના શરમજનક હતી પણ  તેના કારણે લાજવાના બદલે બંનેએ બેશરમીથી આ ઘટનાનો રાજકીય લાભ લેવા માટે બકવાસ કર્યો ને પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ મામલે દરમિયાનગીરી કરવાનું કહીને ઘરભેગા થઈ ગયા. એ બંને તો ગયા પણ બીજા રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા. તેમણે ગાળાગાળીનો મોરચો સંભાળ્યો ને મંગળવારે પણ આ ગાળાગાળી ચાલુ જ હતી.

આસામ-મિઝોરમ સરહદે બનેલી ઘટના અત્યંત આઘાતજનક છે ને તેની વાત કરતાં પહેલાં આખો વિવાદ શું છે એ સમજવું જરૂરી છે. આ વિવાદના મૂળમાં આપણા રાજકારણીઓ છે અને તેમણે હલકટાઈ બતાવીને આ વિવાદ ઊભો કર્યો છે. આઝાદી  વખતે ઉત્તર-પૂર્વમાં આસામ મોટું રાજ્ય હતું જ્યારે મણિપુર અને ત્રિપુરા રજવાડાં હતાં. નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ ૧૯૬૩થી ૧૯૮૭ દરમિયાન આસામમાંથી અલગ થઈને નવાં રાજ્ય બન્યાં ને એ રીતે ઉત્તર ભારતમાં સેવન સિસ્ટર્સ કહેવાતાં સાત રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. આ રાજ્યોમાં મિઝોરમ અને આસામની સરહદ અડકે છે. ૧૬૫ કિલોમીટર લાંબી આ સરહદ પર મિઝોરમના ઐઝવાલ, કોલાસિબ અને મામિત એ ત્રણ જિલ્લાનાં ગામ છે જ્યારે આસામમાં કાચર, કરીમગંજ અને હૈલાકાંડી એ ત્રણ જિલ્લાનાં ગામો છે.

રસપ્રદ વાત એ છે કે, ૧૯૮૭માં હાલનું મિઝોરમ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોઈએ સરહદ મુદ્દે વાંધો નહોતો લીધો. પછીથી રાજકારણીઓએ આ મુદ્દાને ચગાવ્યો તેમાં મોટો વિવાદ થઈ ગયો. અંગ્રેજોના સમયમાં મિઝોરમ આસામનો ભાગ હતો ત્યારે લુશાઈ પહાડી અને કાચર પહાડીને અલગ પાડીને અંગ્રેજોએ બે વિસ્તાર બનાવેલા. ૧૮૭૩માં બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન નામે  એ માટેનું નોટિફિકેશન બહાર પડાયેલું. આ જાહેરનામા હેઠળ અંદરના વિસ્તારોમાં ક્યો વિસ્તાર કોનો તે પણ નક્કી કરાયું હતું. અંગ્રેજોએ ૧૯૩૩માં બીજું જાહેરનામું બહાર પાડીને મણિપુર અને લુશાઈ પહાડી વચ્ચેની સરહદ નક્કી કરી હતી.

આપણે આઝાદ થયા પછી આસામમાંથી અલગ અલગ રાજ્યો બન્યાં પછી બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન નાબૂદ કરી દેવાયો હતો પણ મણિપુર અને મિઝોરમમાં તેનો અમલ ચાલુ રહ્યો. આસામનો દાવો છે કે, આ રેગ્યુલેશન નાબૂદ થયો તેથી હવે લુશાઈની પહાડીનો જંગલનો વિસ્તાર આસામનો છે. મિઝોરમનો દાવો છે કે, મિઝોરમમાં તેનો અમલ ચાલુ છે તેથી અંદરના જંગલનો ૧૩૧૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર મિઝોરમનો છે.

આ મુદ્દે સંઘર્ષ ચાલ્યા કરે છે ને વાટાઘાટો પણ થયા કરે છે પણ રાજકારણીઓના અક્કડ અને સ્વાર્થી વલણના કારણે ઉકેલ આવતો નથી. આસામનો દાવો છે કે, મિઝોરમનાં લોકો અમારી સરહદમાં ઘૂસી આવ્યા છે અને ત્યાં મકાનો બનાવીને જામી પડ્યાં છે. સામે મિઝોરમનું કહેવું છે કે, આ વિસ્તાર અમારો જ છે તથી અમને કોઈની મંજૂરીની જરૂર નથી. આસામના સરહદી જિલ્લા અને મિઝોરમના સરહદી જિલ્લાનાં ગામોમાં આ કારણે સતત લડાઈ થયા જ કરે છે. આસામ સરકાર આ વિસ્તારમાંથી મિઝો લોકોને ખદેડવા મથ્યા કરે છે પણ મેળ પડતો નથી. પોલીસ જ્યારે પણ આ વિસ્તાર ખાલી કરાવવા જાય ત્યારે મિઝો પોલીસ લોકોને મદદ કરવા પહોંચી જાય, તેમાં આસામ પોલીસ કશું કરી શકતી નહોતી. સોમવારે પણ એવું જ થયેલું ને તેમાં વાત પાંચ પોલીસોની હત્યા લગી પહોંચી ગઈ.

આ હત્યાકાંડ પછી આસામ ને મિઝોરમ બંનેએ વિવાદ ઉકેલવા અમિત શાહની મદદ માગી છે. શાહ હજુ બે દાડા પહેલાં જ ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ગયેલા ને યોગાનુયોગ તેમની યાત્રા સમયે જ હિંસા થઈ ગઈ. આ સંજોગોમાં શાહ ખરેખર ઉકેલ લાવી શકશે કે કેમ તેમાં શંકા છે.  આસામ અને મિઝોરમ બંને ઠેકાણે ભાજપની જ સરકારો છે ને વાસ્તવમાં તો ભાજપની સરકારો આવી પછી હિંસા શરૂ થઈ છે એ જોતાં ભાજપ સરકાર આ વિવાદને ઉકેલી શકે એવી આશા રાખવા જેવી નથી.
ભાજપ રાષ્ટ્રવાદની વાતો કરે છે અને લોકોને દેશપ્રેમના પાઠ ભણાવે છે પણ ભાજપનો દેશપ્રેમ જ ખોખલો છે તેનો પુરાવો આ અથડામણ પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ આપેલું નિવેદન છે. સરમાએ મંગળવારે સવારે માર્યા ગયેલા પાંચ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગયા પછી હુંકાર કર્યો કે, આસામ પોતાની એક પણ ઈંચ જમીન કોઈને નહીં આપે. પહેલી વાત તો એ કે, આ જમીનનો મુદ્દો વિવાદમાં છે ને એ જમીન આસામની જ છે એ નક્કી નથી. મિઝોરમ આ જમીન પોતાની હોવાનો દાવો કરે છે. અંગ્રેજોના સમયમાં બે અલગ અલગ સીમા નક્કી થઈ તેનો આ ડખો છે ને આસામ જે સીમાને માન્ય રાખે છે તેને મિઝોરમ માન્ય રાખતું નથી. તેના કારણે બંને વચ્ચે વિવાદ છે.  મિઝોરમ સાથેનો વિવાદ ઉકેલાય ને આ જમીન આસામની જ છે એવું જાહેર થાય પછી સરમા ચોક્કસ તેના પર દાવો કરી શકે, એ પહેલાં નહીં.

બીજી મહત્ત્વની વાત ભાજપના નકલી દેશપ્રેમની છે. આ ઝગડો બે દેશ વચ્ચેનો નથી કે સરમાએ આવા હુંકાર કરવા પડે. આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે ને બંને રાજ્ય ભારતનાં જ છે. તમે રાષ્ટ્રવાદમાં માનતા હો તો એક રાજ્યની થોડીક જમીન બીજું રાજ્ય લઈ જાય એ મોટો મુદ્દો કહેવાય? બિલકુલ ના કહેવાય. આ જમીન આસામમાં જાય કે મિઝોરમમાં જાય, રહેવાની તો ભારતમાં જ છે ને….? તમા રાષ્ટ્રવાદમાં માનતા હો તો તમારે આ વાતને સહજતાથી સ્વીકારવી પડે પણ સરમા હુંકાર કરે તેનો અર્થ એ થાય કે, એ શુદ્ધ રાષ્ટ્રવાદમાં માનતા નથી પણ સંકુચિત પ્રદેશવાદમાં માને છે. ભાજપે પોતાના મુખ્યમંત્રીના હુંકાર સામે વાંધો નથી લીધો તેનો અર્થ એ થાય કે, ભાજપ પણ સરમાની વાતને ટેકો આપે છે. બાકી તેમણે સરમાને વાર્યા હોત ને કહ્યું હોત કે, આ પ્રકારના લવારા ના કરો.

ભૂતકાળમાં કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદના મામલે આ પ્રકારના વિવાદો થયા છે અને એ હિંસક પણ બન્યા છે. કર્ણાટકમાં આવેલા બેલગામના મુદ્દે તો લાંબી લડાઈ ચાલી છે. આ  વિવાદને શિવસેના જેવા સંકુચિત પ્રદેશવાદને વરેલા પક્ષોએ વકરાવ્યો હતો. દક્ષિણનાં રાજ્યોમાં પણ નદીઓનાં પાણીના મુદ્દે જોરદાર જંગ ચાલે છે ને આ પ્રકારના જ હાકલાપડકારા થાય છે. રાજકારણીઓ બીજાં રાજ્યોને બતાવી દેવાના ને પોતાના રાજ્યનો અધિકાર નહીં જવા દેવાના હુંકાર કરે છે પણ એ બધા પ્રાદેશિક પક્ષો છે.

આ પ્રાદેશિક પક્ષોની માનસિકતા સંકુચિત છે ને તેમણે પોતાના રાજ્યમાં દુકાન ચલાવવાની છે તેથી લોકોના માનસમાં ઝેર રેડીને એ લોકો આવા વિવાદો વકરાવે છે. એ લોકોને રાષ્ટ્રવાદ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી. ટૂંકા મતબેંકના સ્વાર્થ માટે ગમે તેવું વલણ લેતાં તેમને શરમ નથી આવતી તેથી તેમની પાસેથી કોઈ અપેક્ષા ના રખાય, પણ ભાજપ પ્રાદેશિક પક્ષ નથી. ભાજપ આ દેશનો સત્તાધારી પક્ષ છે ને તેની ફરજ રાષ્ટ્રીય હિતો જાળવવાની છે. ભાજપના એક મુખ્યમંત્રી આવી ભાષા બોલે એ શરમજનક કહેવાય. ભાજપના નેતા આ દેશના મુસ્લિમોને ને પોતાની સામે બોલનારાંને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા માટે કૂદાકૂદ કર્યા કરે છે. તેમણે સરમાને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવાની જરૂર છે. સરમા અને આસામ ભાજપના નેતા પ્રાદેશિક સંકુચિતતાને પોષી રહ્યા છે તેની સામે લાલ આંખ કરવાની જરૂર છે.

આ બંને રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યારે ભાજપે કેવા રાષ્ટ્રવાદનો પ્રસાર કર્યો એ પણ વિચારવા જેવું છે. બંને રાજ્યના મુખ્યમંત્રીઓની ભાષા જોયા પછી તો કોઈમાં રાષ્ટ્રવાદનો છાંટો પણ હોય એવું લાગતું નથી.