કંગનાને માનહાનિ કેસ બાબતે કોર્ટમાં હાજર થવા છેલ્લી તક….
બોલીવૂડ લેખક-ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે દાખલ કરેલા માનહાનિ કેસની સુનાવણીમાં પોતે આ વખતે હાજર રહી નહી શકે એવી યાચિકા અભિનેત્રીએ કરી હતી. આ બાબતે નામદાર કોર્ટે કંગનાને ચેતવણી આપતા કહ્યું હતું કે મંગળવારે તે ગેરહાજર રહી એ છેલ્લી તક હતી, પરંતુ હવે જે તારીખ ફાળવવામાં આવી છે તે દિવસે તેણે વ્યક્તિગત હાજરી આપવી જ પડશે.
અંધેરી ખાતેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.આર.ખાને જોકે, જાવેદ અખ્તરની યાચિકા પણ ખારીજ કરી હતી જેમાં તેમના વકીલે કંગનાની ધરપકડ બાબતે વૉરન્ટ કાઢવાની માગણી કરી હતી. ખાને કહ્યું હતું કે આગામી સુનાવણી દરમ્યાન જો કંગના ગેરહાજર રહે તો તમે યાચિકા ફરી દાખલ કરી શકો છો. આગામી સુનાવણી હવે ૧ સપ્ટેમ્બરે હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તરે ગયા નવેમ્બર માસમાં માનહાનિ કેસ દાખલ કરતા કૉર્ટને ફરિયાદ કરી હતી કે કંગનાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં સુશાંતસિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસના અનુસંધાનમાં તેમનાના વિશે વાંધાજનક ટીપ્પણી કરી હતી જેના લીધે તેમની પ્રતિષ્ઠા ખરડાઇ હતી.