આર્થિક કટોકટી ટાળવા ચલણી નૉટો છાપવાની કોઇ યોજના નથી : નિર્મલા સીતારામન

કોવિડ-૧૯ના રોગચાળાને લીધે ઉદ્ભવેલી આર્થિક કટોકટી ટાળવા માટે ચલણી નૉટો છાપવાની કોઇ યોજના ન હોવાની વાત નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદને સોમવારે જણાવી હતી.

કટોકટી ટાળવા માટે ચલણી નૉટો છાપવાની કોઇ યોજના વિશેના સવાલના જવાબમાં સીતારામને જણાવ્યું હતું કે ના, સાહેબ.

અનેક અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ સરકારને કોરોનાના રોગચાળાને લીધે ઊભી થયેલી આર્થિક કટોકટીને સરભર કરવા અને રોજગાર જાળવવા માટે વધુ ચલણી નૉટો છાપવાની સલાહ આપી છે.

સીતારામને લોકસભાને આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતની જીડીપી ૭.૩ ટકા ઘટી હતી. આ ઘટાડો રોગચાળાની અસમાન અસર અને રોગચાળાને રોકવા માટે સરકારે લીધેલા પગલાં દર્શાવે છે.

અર્થતંત્રનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ રહ્યું છે અને તબક્કાવાર રીતે લૉકડાઉનના પ્રતિબંધો ઉઠાવવા બાદ આત્મનિર્ભર ભારત અભિયાનને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સેક્ન્ડ હાફમાં અર્થતંત્ર રિકવરીના રસ્તે આગળ વધી રહ્યું છે.