હવે, રેલવેમાં પણ ઈકોનોમી ક્લાસ કોચ….

આધુનિક સમય સાથે ભારતીય રેલવે પણ અપડેટ થઇ રહી છે. પ્રાઇવેટ ટ્રેન અને સેમી હાઇ સ્પીડ ટ્રેન દોડાવવાનું શરૂ કર્યા બાદ હવે રેલવે થર્ડ એસી કલાસના એવા નવા કોચ તૈયાર કરી રહી છે, જેનું ભાડું સ્લીપરથી વધુ અને થર્ડ એસીથી ઓછું હશે. આ કોચને ઇકોનોમી શ્રેણીનું નામ આપવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ૨૩ ડબાની ટ્રેનમાં એસીના કોચ અગાઉ જેટલા જ હશે, પણ સ્લીપર કોચની સંખ્યા ઓછી કરીને ઇકોનોમી શ્રેણીના કોચ જોડવામાં આવશે. રેલવેની આ નવી યોજનાનો અમલ થશે તો સ્લીપર શ્રેણીના કોચમાં ઘટાડો થશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે જે ૮૦૬ એસી થ્રી ટીયર ઇકોનોમી ક્લાસના કોચ તૈયાર કરી રહી છે એમાંથી વર્તમાનમાં ટ્રાયલ માટે ૨૫ કોચ દોડાવવામાં આવી રહ્યા છે. આમાંથી ૧૦ કોચ પશ્ચિમ રેલવેમાં, સાત ઉત્તર મધ્ય રેલવેમાં, પાંચ ઉત્તર પશ્ચિમ રેલવેમાં અને ત્રણ ઉત્તર રેલવેમાં ઉપયોગ લેવામાં આવી રહ્યા છે. સૂત્રોની માનીએ તો જે રૂટ પર સૌથી વધુ ડિમાન્ડ હશે અથવા પ્રવાસીઓ પૈસા ખર્ચ કરવા માટે તૈયાર થશે ત્યાં આ શ્રેણીના કોચની સુવિધા પહેલા આપવામાં આવશે. જાણકારોનું માનવું છે કે રેલવેની આવકમાં વધારો કરવા માટે નવા નવા વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે અને આ તેનો જ એક ભાગ છે.