ભારતમાં કોવિડ-૧૯ના દરદીઓ અને તેને સંબંધિત મરણાંકમાં થયેલા ઘટાડાને લીધે ભારતને લેવલ-ફૉરમાંથી લેવલ-થ્રીમાં મૂક્યું….

અમેરિકાએ (પોતાના નાગરિકો માટેની) પ્રવાસને લગતી સૂચનામાં ભારત ખાતેની મુસાફરીને લેવલ-થ્રીમાં મૂકી છે. અગાઉ, ભારત લેવલ-ફૉરમાં હતું.
ભારતમાં કોવિડ-૧૯ના દરદીઓ અને તેને સંબંધિત મરણાંકમાં થયેલા ઘટાડાને લીધે ભારતને લેવલ-ફૉરમાંથી લેવલ-થ્રીમાં મૂક્યું છે.અમેરિકાએ અગાઉ ગયા મહિને ભારત ખાતેના પ્રવાસને લગતી સૂચના બહાર પાડી ત્યારે ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેર ફેલાઇ હતી અને કોરોનાવાઇરસના દરરોજ  ત્રણ લાખથી વધુ દરદી નોંધાતા હતા.
અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે અમેરિકામાંના રોગ નિયંત્રણ વિભાગ – સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શને ભારતમાંની કોવિડ-૧૯ના રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘લેવલ-થ્રી ટ્રાવેલ હેલ્થ નૉટિસ’ બહાર પાડી હતી.
તેણે જણાવ્યું હતું કે જો તમે એફડીએ દ્વારા મંજૂર કરાયેલી કોવિડ-૧૯ સામેની રસીના બન્ને ડૉઝ લઇ લીધા હોય તો તમને (મુસાફરી દરમિયાન) આ વાઇરસનો ચેપ લાગવાની કે ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી રહે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શનની સંબંધિત માર્ગદર્શિકાનો અભ્યાસ કરજો. તેણે રસી લેનારા અને નહિ લેનારા – એમ બન્ને પ્રકારના લોકો માટે જરૂરી સૂચના આપી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત ખાતેની મુસાફરી અંગે ફેરવિચારણા કરવાની સલાહ આપીએ છીએ. આ ઉપરાંત, ગુનાખોરી અને ત્રાસવાદ સામે પણ સાવચેત રહેવું પડશે.
અગાઉ, અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસ માટે પાંચમી મેએ સૂચના બહાર પાડી હતી.