કોંગ્ર્રેસમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે : બાગી નેતાઓને સાચવી લઈ કોંગ્રેસ તૂટતી અટકાવવાની કોશિશ થઈ રહી છે….

કોંગ્ર્રેસમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે અને બાગી નેતાઓને સાચવી લઈ કોંગ્રેસ તૂટતી અટકાવવાની કોશિશ થઈ રહી છે. પ્રથમ રાજેશ પાયલોટને પક્ષમાંથી જતો અટકાવ્યો. G-23 તરીકે ઓળખાતા પક્ષના બાગી ગેતાઓના ગ્રૂપને પણ સાચવી લેવાની કોશિશ થઈ અને છેલ્લે નવજોત સિદ્ધૂને પણ કેપ્ટન અમરિનદરસિંહના વિરોધ છતાં પ્રદેશ પ્રમુખ બનાવી ભૂતકાળની ભૂલો સુધારવની કોશિશ કરી છે.

કૉંગ્રેસે અંતે લાંબા સમયથી ચાલતા પંજાબના ભવાડાનો નિવેડો લાવીને નવજોત સિદ્ધુને પંજાબ કૉંગ્રેસનો પ્રમુખ બનાવી દીધો. ભાજપમાંથી આવેલા નવજોતસિંહ સિધ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને નવજોત સિધ્ધુ વચ્ચે લાંબા સમયથી ડખાપંચક ચાલતું જ હતું પણ કેપ્ટનનો નહેરુ-ગાંધી ખાનદાન સાથેનો ઘરોબો અને કૉંગ્રેસમાં પ્રભાવ જોતાં સિધ્ધુનો મેળ નહી પડે એવું લાગતું હતું. સિદ્ધુ દિલ્હીના આંટાફેરા કર્યા કરતા હતા પણ હાઈ કમાન્ડ ભાવ નહોતું આપતું તેના પરથી  કૉંગ્રેસ પક્ષપલટુ સિદ્ધુુને નહીં પણ વરસોના વફાદાર કેપ્ટનને સાચવશે એવું લાગતું હતું.  સિધ્ધુએ ભાજપની જેમ કૉંગ્રેસને પણ રામ રામ કરીને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના પગ પકડવા પડશે એવા સંજોગો નિર્માણ થતા જતા હતા.

આશ્ચર્યજનક રીતે કૉંગ્રેસે એવું ના થવા દીધું ને સિદ્ધુને સાચવી લીધો છે. સિદ્ધુુને અંકુશમાં રાખવા અને કેપ્ટન પણ ભડકે નહીં એટલા માટે સિદ્ધુની સાથે ચાર કાર્યકારી પ્રમુખ બનાવાયા છે પણ એ બહુ મહત્ત્વનું નથી. મહત્વની વાત એ છે કે, કૉંગ્રેસે સિદ્ધુને મહત્ત્વ આપ્યું છે ને વરસો જૂના ઘૈડિયાઓને કોરાણે મૂકીને નવા નેતૃત્વને આગળ કરવાનું નક્કી કર્યું છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કાંડ પરથી કૉંગ્રેસે બોધપાઠ લીધો છે તેનો આ વધુ એક પુરાવો છે.

આ પહેલાં રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત સામે બગાવતે ચડેલા સચિન પાયલટને કૉંગ્રેસે સાચવી લીધા હતા અને પક્ષ નહોતો છોડવા દીધો. સચિન પાયલટને કૉંગ્રેસે એ પછી કશું આપ્યું નથી એ અલગ વાત છે પણ પાયલટને પક્ષ છોડવા નથી દીધો એ પણ હકીકત છે. પંજાબમાં પણ એ જ ઈતિહાસ દોહરાવાયો છે. આવનારા આવનારા દિવસોમાં રાજસ્થાનમાં પણ પાયલોટને પ્રદેશ પ્રમુખ બનાવી આવતી ટર્મમાં મુખ્યમંત્રીના દાવેદાર બનાવાય તો નવાઈ નહીં॰ રાજસ્થાનમાં ગેહલોતે પાયલટને નિકમ્મા અને નકામા જેવાં વિશેષણોથી નવાજેલો તેના પરથી જ પાયલટ કઈ હદે અણગમતો છે તેની ખબર પડી જાય.

ગેહલોત પણ નહેરુ-ગાંધી ખાનદાનના માનીતા છે છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ગેહલોતને નારાજ કરીને પાયલટને પક્ષમાં રાખ્યા. સિદ્ધુના કિસ્સામાં પણ એવું જ થયું છે. કેપ્ટનને સિદ્ધુ માટે કેટલો ખાર હશે તેનો અંદાજ એ વાત પરથી આવ જાય કે, કેપ્ટને સિધ્ધુને જોકર ગણાવી દીધેલો. કૉંગ્રેસે પોતાના મુખ્યમંત્રીના ખારને ધ્યાનમાં લીધા વિના સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે એ મોટી વાત છે.

પંજાબ કૉંગ્રેસ પ્રમુખપદે નિમણૂક સાથે સિદ્ધુએ ભવ્ય પુનરાગમન કર્યું છે ને વ્યક્તિગત રીતે પણ આ સિદ્ધુની મોટી સિધ્ધી છે. સિદ્ધુ ભાજપ છોડીને કૉંગ્રેસમાં આવ્યો ત્યારે કેપ્ટન સાથે સારું હતું ને તેના કારણે વિધાનસભાની ચૂંટણી લડાવીને તેને કેપ્ટન મંત્રીમંડળમાં મંત્રી પણ બનાવાયેલો. જો કે સિદ્ધુએ પછી કેપ્ટન સામે બાખડી બાંધીને બહુ લાંબો જંગ ખેલેલો. સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં જ જંગ શરૂ થઈ ગયેલો.

સિદ્ધુએ મોદી સરકાર દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવેલા ને બેફામ લવારા કરેલા તેના કારણ કેપ્ટન બગડ્યા હતા. તેમણે સિદ્ધુને માપમાં રહેવા કહેલું પણ સિદ્ધુ ઝાલ્યો નહોતો ઝલાતો ને લવારા ચાલુ રાખેલા તેથી કેપ્ટન સાવ નારાજ હતા. સિદ્ધુ પોતાની પત્ની નવજોત કૌર સિદ્ધુને અમૃતસર લોકસભા બેઠકની ટિકિટ અપાવવા માંગતો હતો પણ કેપ્ટને આ લવારાના કારણે ઘસીને ના પાડી દીધી તેમાં બંનેના સંબંધો સાવ બગડી ગયેલા.

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સાવ ધોળકું ધોળ્યું ત્યારે પંજાબની લોકસભાની ૧૩ બેઠકોમાંથી કૉંગ્રેસે ૮ બેઠકો જીતીને સારો દેખાવ કરેલો. કેપ્ટને પંજાબમાં કૉંગ્રેસને ડૂબવા તો ના જ દીધી પણ બીજાં રાજ્યો કરતાં વધારે સારો દેખાવ કરતાં કૉંગ્રેસ હાઈ કમાન્ડ કેપ્ટનથી ખુશ હતું. કેપ્ટને તેનો લાભ લઈને કેબિનેટમાં ખાતાં બદલીને સિદ્ધુને સાવ કોરાણે મૂકી દીધેલો. સિદ્ધુુ પાસે પહેલાં લોકલ ગવર્નમેન્ટ, ટુરિઝમ અને કલ્ચર જેવાં મહત્ત્વનાં ખાતાં હતાં. કેપ્ટને એ ખાતાંના બદલે સિદ્ધુને પાવર અને રીન્યુએબલ એનર્જી ખાતું આપીને સાવ હાંસિયામાં ધકેલી દીધેલો. પંજાબમાં કૉંગ્રેસ શહેરી વિસ્તારોમાં સારો દેખાવ ના કરી શકી એ માટે સિદ્ધુના લવારા જવાબદાર હતા તેવા આક્ષેપ કેપ્ટને કરેલા. સિદ્ધુએ સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવીને કૉંગ્રેસની પત્તર ખાંડી નાંખી તેવું કેપ્ટને ખુલ્લેઆમ કહેલું.

સિદ્ધુના માથે આ કારણે માછલાં ધોવાતાં હતા તેથી તે ફરિયાદ કરવા સીધો દિલ્હી ઉપડી ગયેલો. દિલ્હીમાં રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીને મળીને કેપ્ટનની ફરિયાદ કરેલી. સિદ્ધુુનું કહેવું હતું કે, પંજાબમાં શહેરી વિસ્તારમાં કૉંગ્રેસ હારી તેના માટે સામૂહિક જવાબદારી લેવાની હોય તેના બદલે મને બલિનો બકરો બનાવીને ઝૂડવામાં આવી રહ્યો છે. સિદ્ધુએ એ વખતે રાહુલ, પ્રિયંકા ને અહમદ પટેલ સાથે મુલાકાતનો ફોટો પણ ટ્વિટર પર મૂકેલો. રાહુલ-પ્રિયંકાએ સિદ્ધુની વાત સાંભળી પણ   કશું કર્યું નહીં. ઊલટાનું રાહુલ ગાંધી પોતે જ પ્રમુખપદેથી રાજીનામું આપીને બેસી ગયા તેથી સિદ્ધુની વાત સાંભળનાર જ કોઈ ના રહ્યું.

સિદ્ધુએ એ પછી નવું ત્રાગું શરૂ કરીને સચિવાલયમા જવાનું જ બંધ કરી દીધું. કેબિનેટની બેઠકોમાં હાજર રહેવાના બદલે એ અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો ને કેપ્ટનનું નાક દબાવવાની કોશિશ શરૂ કરી. કેપ્ટન રાજકારણના ખંધા ખેલાડી છે ને ઘાટ ઘાટનાં પાણી પીને બેઠા છે.  આવાં ત્રાગાં એ રોજ જ જોતા હોય ને તેમના પેટનું પાણી પણ ના હાલે. કેપ્ટને સિદ્ધુુને અવગણવાનું ચાલુ રાખ્યું તેમાં સિદ્ધુ હાંફી ગયો.

સિદ્ધુએ છેલ્લા ત્રાગાં તરીકે પોતે રાહુલ ગાંધીને મોકલેલું રાજીનામું ટ્વિટર પર મૂક્યું ને તેમાં પણ ભરાઈ ગયો. લોકોએ મુખ્યમંત્રી કે રાજ્યપાલને કેમ રાજીનામું નથી મોકલ્યું એવા સવાલ કરતાં સિદ્ધુએ છેવટે મુખ્યમંત્રીને રાજીનામું મોકલવાની જાહેરાત કરવી પડી.  કેપ્ટન તો ટાંપીને બેઠા જ હતા એટલે સિદ્ધુએ રાજીનામું મોકલ્યું એવું તેમણે રાજ્યપાલને મોકલીને તેને છૂટો કરી દીધો ને એ સાથે જ સિદ્ધુ પાછો નવરો થઈ ગયો હતો.

સિધ્ધુ એ પછી અજ્ઞાતવાસમાં જતો રહેલો ને એકાદ વરસ નિષ્ક્રિય રહ્યા પછી ફરી કેપ્ટન સામે મેદાને પડ્યો ત્યારે એવું જ લાગતું હતું કે આ વખતે પણ કેપ્ટન સિદ્ધુને બિસ્તરાંપોટલાં બંધાવીને ઘરભેગો કરી દેશે. સિદ્ધુએ ફરી સક્રિય થઈને મોરચો માંડ્યો ત્યારે એવું લાગતું હતું કે, સિદ્ધુ હવાતિયાં માર્યાં કરે છે ને કેપ્ટન સામે તેનું કઈ નહીં ઉપજે કેમ કે કૉંગ્રેસ ઘરેડમાંથી બહાર આવવા જ નથી માગતી. સિદ્ધુની હિંમતને દાદ આપવી જોઈએ કે તેણે ડર્યા વિના જંગ ચાલુ રાખ્યો ને છેવટે ધાર્યું કરાવવામાં સફળતા મેળવી.

પંજાબમાં અમરિન્દર સિંહ સિવાય બીજો કોઈ કૉંગ્રેસનો કેપ્ટન નથી એવી વાતો કરનારાનાં ધરાર ખોટા અને ભોંઠા પાડીને સિદ્ધુ પોતે ધાર્યું હતું એ મેળવીને જ જંપ્યો છે. કેપ્ટને સિદ્ધુુને હંફાવવા જાત જાતના ત્રાગાં કરી જોયાં ને કમલનાથ સહિતના પોતાના સાથીઓને કામે લગાડીને સિદ્ધુ ના ફાવે એ માટેના કારસા પણ કરી જોયા. સિદ્ધુએ તેનાથી હતોત્સાહ થયા વિના જંગ ચાલુ રાખ્યો ને છેવટે પ્રમુખપદ મેળવ્યું.

સિધ્ધુ આ વખતે સફળ થયો તેનું કારણ એ કે, સિધ્ધુ પૂરું હોમવર્ક કરીને આવ્યો છે ને તેણે કેપ્ટન સામે અંગત પ્રહારો કરવા માટે પણ એવો મુદ્દો પસંદ કર્યો કે કૉંગ્રેસ ફફડી ગઈ. પંજાબમાં અકાલી દળની સરકાર હતી ત્યારે કોટકપુરા ફાયરિંગ કેસ બહુ ગાજેલો. ફરીદકોટ જિલ્લામાં આવેલા કોટકપુરાના ગુરુદ્વારામાં શીખો માટે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગ કરાયું તેમાં બે લોકોનાં મોત થયાં હતાં. કૉંગ્રેસે આ મુદ્દો બહુ ચગાવેલો ને ૨૦૧૭માં કૉંગ્રેસની સરકાર રચાઈ તેમાં આ મુદ્દાએ મોટા ભાગ ભજવેલો.

કેપ્ટને આ મામલાની તપાસ કરવા સીટ બનાવી હતી. અકાલી દળના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ આ કેસમાં આરોપી બતાવાયેલા. જો કે હાઈ કોર્ટે ધર્મસ્થાનના અપમાન મુદ્દે પ્રકાશસિંહ બાદલને ક્લીન ચીટ આપતાં જ સિધ્ધુ કૂદી પડ્યો. સિદ્ધુએ આક્ષેપ કર્યો કે, કેપ્ટને કુલડીમાં ગોળ ભાંગીને તપાસમાં છીંડા રખાવીને બાદલને છટકવા દીધા છે. પંજાબમાં કેપ્ટનનો દબદબો છે ને એ સોનિયાના ખાસ માણસ છે પણ સિદ્ધુએ એવો મુદ્દો ઉઠાવ્યો  કે, સોનિયા કેપ્ટનની તરફદારી કરી શકે તેમ નહોતાં. સિદ્ધુ આ મુદ્દાને ગજવે તો કૉંગ્રેસને ૨૦૨૨ની ચૂંટણીમાં જીતવું ભારે પડી જાય. કૉંગ્રેસ પાસે ગણીને ત્રણ રાજ્ય બચ્યાં છે ને તેમાંથી એક રાજ્ય જાય તો કૉંગ્રેસ માટે પક્ષ ચલાવવો અઘરો થઈ જાય તેથી કૉંગ્રેસ હાઈ કમાન્ડ પાસે સિદ્ધુને મનાવી લેવા સિવાય છૂટકો નહોતો.

સિદ્ધુુએ એ રીતે લાગ જોઈને સોગઠી મારીને પોતાનું ધાર્યું કરાવ્યું છે. સિદ્ધુએ બીજું શાણપણ એ વાપર્યું કે, પહેલાંની જેમ એકલા લડવાને બદલે કેપ્ટન વિરોધી બધા નેતાઓને એક કર્યા ને તેના કારણે પણ સોનિયા ગાંધી સિદ્ધુને અવગણી ના શક્યાં. કેપ્ટન રાજકીય કાવાદાવાના જૂના ખેલાડી છે પણ કમ સે કમ આ વખતે તો સિદ્ધુ તેમનાથી ચડિયાતો સાબિત થઈ ગયો છે.