મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિને આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવામાંથી મહારાષ્ટ્ર સરકાર તરફથી છૂટ…

કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ જેમણે લીધા હોય તેમને રાજ્યમાં પ્રવેશ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવામાંથી મહારાષ્ટ્ર સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. તેમ છતાં પ્રવેશની તારીખ અને વેક્સિનના બીજા ડોઝ વચ્ચે પંદર દિવસનું અંતર હોવું જરૂરી રહેશે. રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા ગુરુવારે રાત્રે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

જે વ્યક્તિ રાજ્યમાં પ્રવેશ કરે તેને કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા જોઇએ અને બીજા ડોઝથી પ્રવાસ વચ્ચે પંદર દિવસનું અંતર હોવું જરૂરી રહેશે. જે તે વ્યક્તિ પાસે કોવિન પોર્ટલથી રજૂ કરાયેલું અંતિમ વેક્સિન સર્ટિફિકેટ હોવું જોઇએ’, એમ આદેશમાં જણાવાયું હતું. ‘વેક્સિનના બન્ને ડોઝ લીધેલી વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ કરતી વખતે આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રાખવામાંથી છૂટ આપવામાં આવી છે’, એમ તેમાં વધુમાં જણાવાયું હતું.

આ સિવાય આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સમય મર્યાદા ૪૮ કલાકમાંથી વધારીને ૭૨ કલાક કરી દેવામાં આવી છે, એમ આદેશમાં જણાવાયું હતું.