યોગી સરકારની કાવડ યાત્રાને મંજૂરી : કોરોના મુદ્દે નરેન્દ્ર મોદી અને ભાજપનાં આ બેવડાં ધોરણો કે યોગીની જિદ્દ આગળ લાચારી….?!?

ભારતમાં રાજકારણીઓના ચાવનાના ને બતાવવાના જુદા જુદા હોય છે. એ લોકો જાહેરમાં અલગ વાત કરે ને અંદરખાને અલગ રીતે વર્તતા હોય છે. આપણને એવું કરતાં સંકોચ થાય પણ નેતાઓ બેશરમ બનીને એવું કરતા હોય છે. કોરોનાના કપરા સમયમાં તો આપણે એ બેશમીનું વરવું પ્રદર્શન વારંવાર જોયું. ને નાનામાં નાના રાજકીય કાર્યકરથી માંડીને નરેન્દ્ર મોદી જેવા સર્વોચ્ચ સ્થાને બેઠેલા તમામ રાજકારણીઓમાં જોયું. લોકોને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નિકળવાની ને ટોળાં ભેગાં નહીં કરવાની સલાહ આપનારા મોદી સહિતના રાજકારણીઓ સત્તા માટે ચૂંટણી સભાઓમાં લાખોની ભીડ એકઠી કરવા સહિતના કેવા ખેવા ખેલ કરતા હતા એ બહુ જૂની વાત નથી. લોકોનું જે થવું હોય એ થાય, પોતાની સત્તાલાલસા તેમના માટે વધારે મહત્ત્વની હતી.

નરેન્દ્ર મોદી અને ભાજપનાં આ બેવડાં ધોરણોનો વધુ એક નાદાર નમૂનો કાવડ યાત્રાના કિસ્સામાં જોવા મળ્યો છે. ઉત્તર ભારતમાં મહાદેવ એટલે કે ભગવાન શિવની કાવડ યાત્રા  શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂ થાય છે ને  ૧૫ દિવસ સુધી ચાલે છે. કાવડિયા તરીકે ઓળખાતા લોકો પગપાળા ઉત્તરાખંડના હરિદ્વાર, ગૌમુખ, ગંગોત્રી સહિતનાં ગંગા નદીના કિનારે આવેલાં તીર્થસ્થાનોમાં ઉમટે છે ને ગંગાજળ ભરીને પોતપોતાનાં  ગામ જાય છે અને ગંગા નદીના જળથી આસપાસના શિવમંદિરમાં અભિષેક કરે છે. કાવડ યાત્રાનું સૌથી મોટું સ્થાન હરિદ્વાર છે તેથી હરિદ્વારમાં સૌથી વધારે પ્રમાણમાં કાવડિયા ઉમટે છે.

કોરોનાના કારણે આ વખતે ભીડ એકઠી થાય એવા તમામ કાર્યક્રમો મોકૂફ રાખવા જોઈએ એવું આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોરશોરથી કહે છે છતાં તેમના જ પક્ષના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાને મંજૂરી આપી દીધી. મોદીએ તેમને રોકવા જોઈતા હતા પણ એવું નહીં કરીને મોદી સરકારે ડબલ સ્ટાન્ડર્ડનો પરચો આપી દીધો. આપણે ત્યાં ન્યાયતંત્ર હજુ સાબૂત છે તેથી સુપ્રીમ કોર્ટે તરત આ વાતની નોંધ લઈને  નોટિસ ફટકારીને યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ  કોર્ટે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને પણ નોટિસ ફટકારી હતી અને શુક્રવાર લગીમાં જવાબ આપવા કહેલું.
શુક્રવારે યોગી ને મોદી બંને સરકારોએ જે જવાબ રજૂ કર્યા તે જોઈને આઘાત લાગે. યોગીએ તો સાવ એવો હાસ્યાસ્પદ દાવો કર્યો કે, કાવડ યાત્રામાં એવા લોકોને જ મંજૂરી આપી છે કે જેમણે રસી લીધી છે તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો નથી. મેડિકલ નિષ્ણાતો ગાઈવગાડીને કહે છે કે, કોરોનાની રસી લીધા પછી કોરોના નહીં જ થાય એવી ગેરંટી નથી ત્યારે યોગી સાહેબ તેમના કરતાં પણ મોટા એક્સપર્ટ થઈ ગયા. યોગી સરકારે આડકતરી રીતે કહી દીધું કે, કાવડ યાત્રા નહીં રોકાય.
યોગી સરકારનું આ વલણ શરમજનક છે ને તેના કરતાં વધારે શરમજનક વલણ કેન્દ્ર સરકારનું છે. મોદી સરકારે એફિડેવિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે રાજ્યો કાવડ યાત્રા યોજે અને હાલમાં કોરોનાની જે સ્થિતિ છે એ જોતાં રાજ્ય સરકારોએ કાવડિયાઓને હરિદ્વારથી ગંગાજળ લાવવાની મંજૂરી ના આપવી જોઈએ. સવાલ એ છે કે, મોદી સરકાર કાવડ યાત્રા યોજવાના પક્ષમાં નથી તો મોદી પોતાના જ પક્ષના મુખ્યમંત્રીને આ યાત્રા રદ કરવા આદેશ કેમ નથી આપતા…?

મોદીએ શુક્રવારે જ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે એવાં છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. આ વાતચીતમાં મોદીએ કોરોનાને રોકવા માટે શું કરવું તેના જ્ઞાનનો ભંડાર ખુલ્લો મૂકી દીધો. આ જ્ઞાનનાં બે-ચાર અમીછાંટણાં મોદી યોગી પર કેમ નથી છાંટતા ? કેમ કે અંદરખાને મોદી પણ ઈચ્છતા હશે કે કાવડ યાત્રા થાય કે જેથી હિંદુઓ નારાજ ના થાય ને છ મહિના પછી થનારી યુપીની ચૂંટણીમાં ભાજપને બંબૂ ના લાગી જાય. બહાર દેખાવ ખાતર લોકોની ચિંતા કરતા ને સલાહોનો મારો ચલાવતા મોદી કોરોના વકરે એ રીતે વર્તતા પોતાના મુખ્યમંત્રીને રોકી નથી શકતા એ બેવડાં ધોરણ જ કહેવાય.

સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આ મુદ્દે ફેરવિચારણા કરવા કહ્યું છે ને સરકાર નહીં વિચારે તો પોતે ફરમાન કરશે એવી ચીમકી પણ આપી છે. સુપ્રીમ ફરમાન કરે એ જરૂરી છે કેમ કે યોગી સરકાર તો રાજકીય સ્વાર્થમાં આંધળી છે. તેના કારણે  કારણે કેવી સ્થિતિ સર્જાશે તેનો વિચાર કરવા જ તૈયાર નથી.

યુપીમાં યોગી સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપી નથી પણ ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. મોટા ભાગના કાવડિયા ગંગાજળ લેવા માટે હરિદ્વારમાં ઉમટે છે કેમ કે હરિદ્વાર ઉત્તર ભારતની ચાર ધામ યાત્રાનું એક તીર્થસ્થાન છે. ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર પ્રતિબંધ મૂકતાં હવે બહારથી આવનારા કાવડિયાઓને ઉત્તરાખંડમાં નહીં ઘૂસવા દેવાય કે હરિદ્વાર લગી નહીં પહોંચવા દેવાય. ઉત્તરાખંડની સરહદ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ બે રાજ્યોને અડકે છે. હિમાચલ પ્રદેશથી પણ કાવડિયા આવે છે પણ વધારે કાવડિયા ઉત્તર પ્રદેશથી આવે છે તેથી ઉત્તર પ્રદેશ સાથેની સરહદ અત્યારથી સીલ કરી દેવાઈ છે ને પોલીસ ખડકી દેવાઈ છે. હિમાચલ પ્રદેશની સરહદને પણ સીલ કરી દેવાશે.

હજુ કાવડિયા આવવા શરૂ થયા નથી તેથી શાંતિ છે પણ એક વાર તેમનો પ્રવાહ શરૂ થશે પછી સરહદે સંઘર્ષ થશે જ. આ મામલો શ્રદ્ધાને લગતો છે ને વધારામાં હિંદુઓની શ્રદ્ધાને લગતો છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે તેથી પોલીસ વધારે બળપ્રયોગ પણ ના કરી શકે. આ માહોલમાં લાખોની સંખ્યામાં આવતા કાવડિયાઓને મુઠ્ઠીભર પોલીસ કઈ રીતે રોકી શકશે ? તેમને રોકવા જતાં પોલીસ સંપર્કમાં આવશે ને આટલી મોટી સંખ્યામાં લોકો હોય તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે જ. ટૂંકમાં ઉત્તરાખંડ પોલીસના જવાનો યોગી સરકારની મૂર્ખામીના કારણે કોરોનાનો ભોગ બને તેનો ખતરો ઊભો થઈ ગયો છે. આ ખતરો માત્ર પોલીસને છે એવું નથી પણ ઉત્તરાખંડનાં લોકોને પણ છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ  બહુ લાંબી છે. યુપીના બિજનૌર, સહારનપુર, મુઝફ્ફરનગર અને મેરઠ એ ચાર જિલ્લામાંથી ઉત્તરાખંડમાં ઘૂસી શકાય છે. આ વિસ્તાર મેદાની પ્રદેશ છે ને સરહદે બધે તો પોલીસ ના ઊભી રાખી શકાય. અતિ ઉત્સાહી કાવડિયા પોલીસ ના ઉભી હોય એવાં છીડાં શોધી શોધીને ગામડાંના રસ્તે હરિદ્વાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે એવી શક્યતા ઉત્તરાખંડ પોલીસે વ્યક્ત કરી છે. આ રીતે હજારો કાવડિયા ગામડામાં ઘૂસી જાય તો ઉત્તરાખંડમાં કોરોનાનો ચેપ ના ફેલાય? બિલકુલ ફેલાય. કુંભ મેળા વખતે ભાજપ સરકારે કરેલી બડફાગીરીમાંથી માંડ માંડ ઉગરેલું ઉત્તરાખંડ પાછું કોરોનાના સકંજામાં આવી જાય એવું બને.

યોગી સરકારના નિર્ણયના કારણે ઉત્તરાખંડની પ્રજા વગર લેવેદેવે દંડાશે તો ઉત્તર પ્રદેશની પ્રજા યોગીને ચૂંટવાની કિંમત ચૂકવશે. આ કિંમત બહુ આકરી હોઈ શકે કેમ કે ઉત્તરાખંડ પર તો વધારે મોટો ખતરો છે. ઉત્તર પ્રદેશના ગામેગામથી તો કાવડિયા ગંગાજળ લેવા નિકળી પડે જ છે પણ હરિયાણા, પંજાબ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. કાવડ યાત્રામાં સરેરાશ એક કરોડ લોકો આવે છે. પગપાળા ચાલીને આવતા આ લોકો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય તેના કારણે ઉત્તર પ્રદેશની પ્રજાને કોરોના લાગવાનો ખતરો કેટલો છે એ સમજાવવાની જરૂર નથી.

બીજું એ કે, હરિદ્વારમાં કાવડિયાઓને ઘૂસવા દેવાના નથી પણ કાવડિયા નિકળ્યા છે તેથી ગંગાજળ લીધા વિના પાછા જવાના નથી. ઉત્તરાખંડ પછી ગંગા નદી પશ્ચિમ યુપીનાં મેદાનોમાં વહે છે. પશ્ચિમ યુપીમાં ગઢમુક્તેશ્વર સૌથી મોટું તીર્થસ્થાન મનાય છે. દિલ્હીથી ૬૦ કિલોમીટર દૂર આવેલા આ તીર્થસ્થાન તરફ કાવડિયાઓનો પ્રવાહ વળે એવી પૂરી શક્યતા છે. ગઢમુક્તેશ્વર માંડ પચાસ હજારની વસતી ધરાવતું તીર્થસ્થાન છે ને લાખ કરતાં વધારે  શ્રદ્ધાળુઓને સમાવવાની તેની તાકાત જ નથી. કાવડ યાત્રામાં સરેરાશ એક કરોડ લોકો  તો આવે જ છે.  ૨૦૧૧ ને ૨૦૧૨માં તો આ આંકડો સવા લાખ પર પહોંચી ગયેલો. અત્યારે કોરોનાના કારણે તેનાથી અડધા લોકો પણ આવે તો પણ પચાસ લાખ થયાં. હવે પંદર દાડાના ગાળામાં પચાસ લાખ લોકો ગઢમુક્તેશ્ર્વરમાં ઠલવાય તો કોરોના ફેલાવાનો ખતરો કેટલો એ કહેવાની જરૂર ખરી? ને એક શહેરમાં મોટા પાયે કોરોના ફેલાય પછી તેને આખા રાજ્યમાં ફેલાતાં વાર લાગે ખરી…???

આ બધા ખતરાને ટાળવા હોય તો યોગીએ સમજદારી બતાવીને કાવડ યાત્રાનો સંકેલો કરાવી લેવો જોઈએ. ને યોગી ના માનતા હોય તો મોદીએ બેવડાં ધોરણ બાજુ પર મૂકીને યોગીને કાવડ યાત્રા રદ કરાવવાની ફરજ પાડવી જોઈએ. જાહેરમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું જ્ઞાન આપવું ને અંદરખાને મતબેંકને વાસ્તે યોગીને થાબડવા એવું ના ચાલે. કોઈ વાર તો જનતાના હિતમાં વર્તવું પડે.