માસ્ટરકાર્ડ ડેટા સંગ્રહ અંગેના નિયમો પાળી ન શકતા માસ્ટરકાર્ડ પર રિઝર્વ બૅન્કે નિયંત્રણ મૂક્યા….

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર હાલ નવા ક્રેડિટ, ડેબિટ કે પ્રીપેડ કાર્ડ આપવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશનો અમલ ૨૨ જુલાઇથી થશે.
માસ્ટરકાર્ડે ડેટા સંગ્રહ અંગેના જે નિયમો હતા એનું પાલન કર્યું નહિ હોવાનો આક્ષેપ છે. આમ છતાં, હાલના ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઇ અસર નહીં થાય.
ઘણો સમય અને તક આપ્યા છતાં માસ્ટર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરવા માટેના જે નિયમો છે તે પાળી નહિ શક્યું હોવાનું કહેવાય છે.આરબીઆઇ દ્વારા ૬ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં ૬ મહિનાની અંદર જ પેમેન્ટ સિસ્ટમને લગતા તમામ ડેટાનો ભારતની અંદર સંગ્રહ કરવા માટે જણાવાયું હતું.
માસ્ટર કાર્ડ ત્રીજી એવી કંપની છે જેની ઉપર આવો પ્રતિબંધ મુકાયો છે. અગાઉ આવા જ કારણસર પહેલી મે થી અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને ડાઇનર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પણ આવો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
૨૦૧૮ના એપ્રિલ મહિનામાં જ બધી પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પૂરી પાડતી બૅન્કોને છ મહિનાની અંદર તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતી, તે બાબતને લગતા સંદેશા કે સૂચનોનો સંગ્રહ કરીને તે અંગે રિઝર્વ બૅન્કને સૂચિત કરવાનું અને અધિકૃત ઑડિટ રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.