દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી હોવા છતાં ત્રીજી લહેરની ચેતવણીના કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના નિયમોમાં કોઈ છૂટછાટ નહીં….

દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી હોવા છતાં ત્રીજી લહેરની ચેતવણી ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશને આપી છે.દેશની તુલનામાં મહારાષ્ટ્રમાં દર્દીઓ વધવાની ટકાવારી ઓછી છે. તેમ છતાં કોરોનાનું જોખમ જોતાં રાજ્યમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે, એવી સ્પષ્ટતા આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કરી હતી.દુકાનો અને પ્રવાસના નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરાય, એવી સ્પષ્ટતા રાજેશ ટોપેએ કરતાં વેપારી અને પ્રવાસીઓને ભાગે નિરાશા આવી છે.

રાજ્યમાં વધુમાં વધુ નાગરિકોનું રસીકરણ કરવાનું અમારું લક્ષ્ય છે. કેન્દ્ર સરકાર પાસેથી વધુમાં વધુ વૅક્સિન મેળવવાના રાજ્ય સરકારના પ્રયત્ન છે. આ માટે મુખ્ય પ્રધાન સતત પ્રયાસ કરી રહ્યા છે. ઑગસ્ટ મહિનામાં ચાર કરોડ વૅક્સિન મળશે, એમ ટોપેએ જણાવ્યું હતું. બીજી તરફ, વૅક્સિનના બે ડોઝ લેનારી વ્યક્તિને આરટીપીસીઆર વિના રાજ્યમાં પ્રવેશ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.કોરોનાને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગના મેડિકલ ઑફિસરો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેવાનિવૃત્તિની વય ૬૨ સુધી વધારવામાં આવી છે.