દેશના લોકોના રસીકરણ માટેનું કોવિન પ્લેટફોર્મ અન્ય રાષ્ટ્રો સાથે નિ:શુલ્ક શેર કરવાની ઓફર……

દેશના લોકોના રસીકરણ માટેનું કોવિન પ્લેટફોર્મ અન્ય રાષ્ટ્રો સાથે નિ:શુલ્ક શેર કરવાની ઓફર કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે માનવતાવાદી જરૂરિયાતો વ્યાપારી લાભો કરતા વધારે છે.

હાલમાં ચાલી રહેલી જી૨૦ દેશોના નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બૅંક ગવર્નર્સની બેઠકના બીજા દિવસે સીતારામને કોરોના મહામારી દરમિયાન ટૅક્નોલોજીના માધ્યમથી વ્યાપક સેવા આપવાના ભારતના સફળ અનુભવને શેર કર્યો હતો, એમ નાણા મંત્રાલયે સંખ્યાબંદ ટ્વીટ કરીને જણાવ્યું હતું.દેશની કોવિન ઍપે કાર્યક્ષમ રીતે દેશમાં વ્યાપક સ્તરે રસીકરણને સફળ બનાવ્યું છે અને માનવતાવાદી જરૂરિયાતો વ્યાપારી લાભો કરતા વધારે હોવાની દેશની દ્રઢ માન્યતાને કારણે ભારતે કોવિન પ્લેટફોર્મ દુનિયાભરના દેશોને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવ્યું છે,’ એમ સીતારામને ટ્વીટ કરીને જણાવ્યું હતું.

બેઠક દરમિયાન નાણા પ્રધાનોની ચર્ચા આર્થિક રીકવરી માટેની નીતિ, ટકાઉ આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય કરવેરા માટેની નીતિઓ પર કેન્દ્રીત હતી. અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે ડિજિટલાઇઝેશન, ક્લાયમેટ ઍક્શન અને ટકાઉ માળખાકીય સવલતો જરૂરી હોવાનું જણાવતા નાણા પ્રધાન સીતારામને કોરોના રોગચાળા દરમિયાન ટૅક્નોલોજીના માધ્યમથી વ્યાપક સેવા આપવાના ભારતના સફળ અનુભવને શેર કર્યો હતો.