ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો અમને અમારી નીતિ સાથે કામ કરવાની મંજૂરી આપશે તો જ અમે ભારતમાં કામ કરીશું : વોટ્સએપ
મોદી સરકારને ખરેખર લોકોના ડેટાના રક્ષણમાં રસ નથી પણ પોતાનાં હિતો સાચવવામાં રસ છે. મોદી સરકારને સોશિયલ મીડિયા કે એપ્સનો ઉપયોગ પોતાની સામે પ્રચાર માટે થાય એ ગમતું નથી તેથી તેમને દબાવી દેવા માગે છે. આ કારણે એ નિયમો બનાવે છે પણ કાયદો બનાવતી નથી
સોશિયલ નેટવર્કિંગ એપ વોટ્સએપ અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે લાંબા સમયથી વોટ્સએપની વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીના કાનૂની જંગમાં ટેબ્લો પડ્યો છે. વોટ્સએપે દિલ્હી હાઈ કોર્ટને ખાતરી આપી છે કે, ભારત સરકાર ડેટા પ્રોટેક્શન બિલ પસાર ના કરે ત્યાં લગી કંપની વોટ્સએપના યુઝર્સને નવી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી સ્વીકારવા દબાણ નહીં કરે કે જે લોકો આ પ્રાઈવસી પોલિસીને સ્વીકારતા નથી તેમનાં વોટ્સએપ ફીચર્સ પર કોઈ નિયંત્રણો પણ નહીં મૂકે. ડેટા પ્રોટેક્શન બિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે એપ્સ પોતાના યુઝર્સના ડેટાનો કઈ રીતે ઉપયોગ કરી શકે તે અંગેના નિયમો નક્કી કરાશે. વોટ્સએપે એવી ખાતરી પણ આપી છે કે, વોટ્સએપ યુઝર્સને અપડેટ કરવા માટે સમયાંતરે મેસેજ મોકલશે પણ પ્રાઈવસી પોલિસી મુદ્દે કોઈ રીમાઈન્ડર નહીં મોકલે.
વોટ્સએપની આ ખાતરી પછી એ પ્રકારનો પ્રચાર શરૂ થઈ ગયો કે, મોદી સરકારે વોટ્સએપને ઢીલુઢસ કરી દીધું ને ભારત સરકારે બનાવેલા નિયમો માનીને પોતાની મનમાની નહીં કરવા દેવાની ફરજ પાડી દીધી. આ વાત મોં-માથા વિનાની છે કેમ કે વોટ્સએપે હાઈકોર્ટમાં ભલે હાલ પૂરતી નવી પ્રાઈવસી પોલિસીનો અમલ નહીં કરવાની ખાતરી આપી હોય પણ તેના તેવર ઢીલા પડ્યા નથી. વોટ્સએપે ચોખવટ કરી છે કે, મોદી સરકાર ડેટા પ્રોટેક્શન અંગેનો કાયદો બનાવે ત્યાં લગી પોતે રાહ જોવા તૈયાર છે અને ભારતના યુઝર્સને પરેશાન નહીં કરે, પ્રાઈવસી પોલિસી સ્વીકારવા દબાણ નહીં કરે.
વોટ્સેએપે એ પણ ચોખવટ કરી છે કે, આ કાયદો ઝડપથી લાવવો પડશે કેમ કે પોતે બાપ જન્મારા લગી રાહ ના જોઈ શકે. વોટ્સએપે તડ ને ફડ કરીને એ પણ કહી દીધું છે કે, ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો અમને અમારી નીતિ સાથે કામ કરવાની મંજૂરી આપશે તો જ અમે ભારતમાં કામ કરીશું, બાકી ભારતમાં સંકેલો કરીને અમારી દુકાન બંધ કરીને ચાલતી પકડીશું. વોટ્સએપે એ પણ કહ્યું છે કે, ભારતની સંસદ કાયદો બનાવે પછી તેને અમારે માનવો જ પડે પણ અત્યારે તો કાયદો બનાવ્યા વિના જ અમને બધું કરવાની ફરજ પડાઈ રહી છે એ ના ચાલે.
વોટ્સએપના તેવર આકરા છે ને તેની વાત કરતાં પહેલાં આ મામલો શું છે તે ટૂંકમાં સમજી લઈએ. વોટ્સએપે જે વિવાદાસ્પદ પોલિસી મુદ્દે આ ખાતરી આપી છે એ આ વરસના ફેબ્રુઆરીથી અમલમાં મૂકવાનું એલાન કરેલું. ખાસ ભારતના યુઝર્સ માટે બનાવાયેલી આ નવી પ્રાઈવસી પોલિસીની વિગતો બહાર આવી એટલે યુઝર્સે કકળાટ કરી મૂકેલો. તેના કારણે વોટ્સએપે ૧૫ માર્ચ લગી તેનો અમલ મોકૂફ રાખેલો ને પછી વધુ એક અઠવાડિયાં માટે અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરેલી. યુઝર્સને તેનાથી સંતોષ નહોતો તેથી વોટ્સએપ આ નવી પ્રાઈવસી પોલિસીનો અમલ મોકૂક રાખે એ માટે હાઈ કોર્ટમાં અરજી થયેલી. વોટ્સએપ યુરોપીયન યુનિયન વિસ્તારમાં પ્રાઈવસીનાં જે કડક ધારાધોરણ છે એવાં ધારાધોરણ ભારતમાં પણ અમલી બનાવે એવી માગણી આ અરજીમાં કરાઈ હતી.
કેન્દ્ર સરકારને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને દાબમાં રાખવામાં રસ છે તેથી આ મામલામાં કેન્દ્ર સરકાર પણ કૂદી પડેલી. મોદી સરકારે પણ પ્રાઈવસી પોલિસી સામે વાંધો લીધેલો ને કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) મારફતે વોટ્સએપને નોટિસો મોકલાઈ હતી. સીસીઆઈએ વોટ્સએપ પાસે નવી પ્રાઈવેટ પોલિસી અંગે વધારે વિગતો માગી હતી ને ઢગલો ચોખવટો કરવા કહેલું. વોટ્સએપે તેની સામે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી ને આ નોટિસો પર સ્ટે આપવાની માગણી કરેલી.
સુપ્રીમ કોર્ટે સ્ટે તો ના આપ્યો પણ ઊલટાનું વોટ્સએપને ઝાટકીને નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરેલી કે, તમે બે-ત્રણ ટ્રિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતી તોતિંગ કંપની હશો પણ લોકોની પ્રાઈવસીનું મૂલ્ય તેના કરતાં ઘણું વધારે છે તેથી તેને જોખમમાં ના મૂકશો. સુપ્રીમ કોર્ટે અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતમાં પ્રાઈવસીનાં ધારાધોરણ નબળાં કરી દેવાયાં છે એ મુદ્દે પણ વોટ્સએપ પાસે જવાબ માગ્યો હતો. વોટ્સએપે તેનો જવાબ આપેલો કે, યુરોપિયન યુનિયનમાં ડેટા પ્રોટેક્શનને લગતો કાયદો છે જ્યારે ભારતમાં આવો કાયદો નથી તેથી આ ફરક છે. ભારતમાં પણ આવો કાયદો બને તો અમે તેના આધારે કામ કરવું કે નહીં એ નક્કી કરીશું.
આ દલીલબાજી વચ્ચે મોદી સરકારે હાઈ કોર્ટમાં વોટ્સએપ સામે ફરિયાદ કરી હતી કે, વોટ્સએપ તેના યુઝર્સ પર નવી પ્રાઈવસી પોલિસીને સ્વીકારવા દબાણ કરી રહી છે. વોટ્સએપ યુઝર્સને દિવસમાં સતત નોટિફિકેશન મોકલીને નવી નીતિ સ્વીકારવા દબાણ કરી રહી છે. વોટ્સએપ લુચ્ચાઈ કરીને નોટિફિકેશનનો મારો એટલા માટે ચલાવે કે જેથી ગ્રાહક કંટાળીને નોટિફિકેશન બંધ કરાવવા હા પાડી દે. સરકારે હાઈ કોર્ટને વિનંતી કરી હતી કે, વોટ્સએપ પોતાના યુઝર્સને નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે નોટિફિકેશન્સનો મારો ના ચલાવે એવું ફરમાન કરો. વોટ્સઅપે એ વખતે પણ કહેલું જ કે, પોતે યુઝર્સને સતત નોટિફિકેશન્સ મોકલે છે એ વાત સાચી છે ને હજુ મોકલ્યા જ કરશે. એ વખતે પણ તેણે કહેલું કે, નવી પ્રાઈવસી પોલિસી નહીં સ્વીકારનારા યુઝર્સની ફંક્શનાલિટી મર્યાદિત નહીં કરાય પણ તેમને અપડેટ અંગે રીમાઈન્ડર્સ મોકલાયા કરશે. વોટ્સએપે આ જ વાત હાઈ કોર્ટમાં દોહરાવી છે એ જોતાં તેના તેવર ઢીલા પડ્યા છે એ વાતમાં દમ નથી.
આ કેસમા હવે પછી શું થશે તે ખબર નથી પણ અત્યારે વોટ્સએપના જે તેવર છે એ જોતાં ભારતમાં વોટ્સએપને તાળાં લાગી જાય એવું પણ બને. વોટ્સએપ નમતું જોખવા તૈયાર નથી ને સામે મોદી સરકાર પણ તેને દબાવવામાં કોઈ કસર છોડી રહી નથી એ જોતાં છેવટે વોટ્સએપે ભારત છોડવું પડે એવા સંજોગો પેદા થાય એવી પૂરી શક્યતા છે. વોટ્સએપના કરોડો યુઝર્સ છે ને ભારતમાં વોટ્સએપ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે એ જોતાં ભારતમાં વોટ્સએપ બંધ થઈ જાય તો તકલીફ પડે જ તેમાં શંકા નથી.
આ સ્થિતિ સર્જાશે કે નહીં તેનો આધાર હાઈ કોર્ટ હવે પછી કેવું વલણ લે છે તેના પર છે પણ વોટ્સએપ કે બીજું કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એપ ભારતમાં ઉચાળા ભરીને ચાલી જાય એ આપણને પરવડે તેમ નથી. આપણામાં આ પ્રકારનાં પ્લેટફોર્મ કે એપ બનાવવાની તાકાત નથી તેથી આપણે સંપૂર્ણ રીતે વિદેશી પ્લેટફોર્મ્સ અને એપ્સ પર નિર્ભર છીએ. તેના કારણે આપણી જિંદગી સરળ બની છે. આપણો સમય અને નાણાં તો બચે જ છે પણ આપણે વૈશ્ર્વિક રીતે પણ બધાં સાથે જોડાઈ શક્યાં છીએ.
સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મ આધારિત જબરદસ્ત ઈકોનોમી દુનિયામાં વિકસી છે. તેનો લાભ આપણને પણ મળ્યો છે ને આપણે પણ આર્થિક રીતે સમૃદ્ધ થયાં છીએ. કોઈ મોટું પ્લેટફોર્મ કે એપ જતી રહે તેના કારણ તેને ફટકો પડે જ. વોટ્સએપના કિસ્સામાં તો મોટી વાત એ છે કે, વોટ્સએપની માલિકી ફેસબુકની છે તેથી વોટ્સએપને કંઈ થાય તો તેની અસર ફેસબુક પર પણ પડે જ. ફેસબુક અને વોટ્સએપ જેવાં સૌથી લોકપ્રિય બે પ્લેટફોર્મ-એપ જતાં રહે તો તેના કારણે આપણને જોરદાર ફટકો પડે જ.
વોટ્સએપની નવી પ્રાઈવેટ પોલિસી યોગ્ય નથી જ અને તેને કોઈ પણ સંજોગોમાં ના જ સ્વીકારી શકાય. આ પોલિસી પ્રમાણે વોટ્સએપ યુઝર જે ક્ધટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરશે તેનો ઉપયોગ વોટ્સએપ કોઈ પણ જગ્યાએ કરી શકશે. કંપની આ ડેટાને શેર પણ કરી શકશે ને તેને માટે તેણે કોઈની પણ મંજૂરી લેવાની જરૂર નથી. વોટ્સએપની પ્રાઈવેટ પોલિસીનો ટૂંકમા સાર એ છે કે, તમે વોટ્સએપનો ઉપયોગ કરવા માગતા હો તો તમારે અમારા તાબેદાર થઈને રહેવું પડે, તેની ગુલામી સ્વીકારવી પડે. આ પ્રકારની પોલિસી ના જ ચાલે પણ વોટ્સએપ આવી પોલિસી લાવવાની હિંમત કરી શકે છે કેમ કે આપણે ત્યાં ડેટા પ્રોટેક્શનનો કાયદો નથી.
મોદી સરકાર ડેટા પ્રોટેક્શન માટે કાયદો લાવવાની વાતો લાંબા સમયથી કરે છે પણ વાતોથી વાત આગળ વધતી જ નથી. મોદી સરકારે ૨૦૧૯માં સંસદમાં ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો બનાવવાનું નક્કી કરેલું ને એ માટેનો ખરડો પણ દાખલ કરેલો પણ એ ખરડો લટકેલો જ છે. ૨૦૧૯ તો આખું ગયું જ પણ ૨૦૨૦ પણ ગયું. હવે ૨૦૨૧માં આ કાયદો બનશે કે નહીં ખબર નથી. તેનું કારણ એ કે, મોદી સરકારને ખરેખર લોકોના ડેટાના રક્ષણમાં રસ નથી પણ પોતાનાં હિતો સાચવવામાં રસ છે. મોદી સરકારને સોશિયલ મીડિયા કે એપ્સનો ઉપયોગ પોતાની સામે પ્રચાર માટે થાય એ ગમતું નથી તેથી તેમને દબાવી દેવા માગે છે. આ કારણે એ નિયમો બનાવે છે પણ કાયદો બનાવતી નથી.