કેન્દ્રિય મંત્રી મંડળનો વિસ્તાર કરી એક તીર અનેક શિકાર, મોદીનો પોલિટિકલ માસ્ટરસ્ટ્રોક : સહકારિતા મંત્રાલય
નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું ને મોદીએ સપાટો બોલાવી દીધો. મોદીએ એકસામટા એક ડઝન પ્રધાનોને રવાના કરીને નવા ચહેરાઓથી મંત્રીમંડળ ભરી દીધું છે. જેમને રવાના કરાયા તેમાં રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ડો. હર્ષવર્ધન, સદાનંદ ગૌડા જેવા ધુરંધરો પણ છે. મોદીનો પડછાયો બનીને સતત ફરતા થાવરચંદ ગેહલોતને તો આગલા દાડે જ રવાના કરી દેવાયેલા. ગેહલોતને તો કર્ણાટકના રાજ્યપાલ બનાવીને સાચવી લેવાયા પણ જાવડેકર, હર્ષવર્ધન, પ્રસાદ ને ગૌડાને તો સાવ વખારમાં નાખી દેવાયા છે. ઘણા મંત્રીને સાવ કોરાણે નથી મૂકાયા પણ તેમનાં ખાતાં બદલીને બેઈજ્જત તો કરી જ દેવાયા છે. સ્મૃતિ ઈરાની આ યાદીમાં મોખરે છે કે જેમને કાપડ મંત્રાલયમાંથી ખસેડીને શોભાના ગાંઠિયા જેવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં મોકલી દેવાયાં છે.
આ ધુરંધરોને રવાના કરીને જેમનાં નામ પણ ના સાંભળ્યાં હોય એવા લોકોને મોદીએ મંત્રીમંડળમાં બેસાડી દીધા છે. સાવ કોરી સ્લેટ ધરાવતા ઘણા નેતા સારા મંત્રી સાબિત થાય એવું પણ બને પણ અત્યારે તો તેમના વિશે શંકાનો માહોલ છે. મંત્રીમંડળના ફેરફારોમાં પણ ઘણાંને લોટરી લાગી ગઈ છે ને ધાર્યું ના હોય એવું ખાતું મળી ગયું છે. અનુરાગ ઠાકુર અને કિરેન રિજિજુ તેમાં મોખરે છે. ઠાકુરને માહિતી અને પ્રસારણ જેવું મોભાદાર ને રિજિજુને કાયદા મંત્રાલય જેવું બહુ મહત્વનું ખાતું મળી ગયું છે. મોદીને રાજકારણીઓ કરતાં અધિકારીઓ પર વધારે હેત છે એ વારંવાર સાબિત થયું છે. મંત્રીમંડળમાં જૂના અધિકારીઓનો મોટા પાયે સમાવેશ કરીને મોદીએ એ પક્ષપાત ફરી છતો કર્યો છે.
ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રી બનાવીને મોદીએ મોસાળમાં જમણવાર ને મા પિરસે એ કહેવત સાચી સાબિત કરી છે. કેન્દ્રીય કેબિનેટમાં અત્યારે ગુજરાતમાંથી આઠ સાંસદો મંત્રી છે. ગુજરાતને આવું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં કદી નહોતું મળ્યું. એમાં પણ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવી પાટીદારોને સાચવી લેવાની કોશિશ કરી છે. કારણ આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અને AAPના વધતાં પ્રભાવને અટકાવવાની પણ કોશિશ છે.
જો કે આ બધા કરતાં મોટી વાત મોદીએ સહકારિતા મંત્રાલયના નામે બનાવેલું નવું મંત્રાલય છે. મોટા ભાગનાં લોકોને આ મંત્રાલય શું કરશે એની ખબર નથી તેથી તેની બહુ ચર્ચા નથી પણ સહકારિતા મંત્રાલય મોદીનો પોલિટિકલ માસ્ટરસ્ટ્રોક છે એમ કહીએ તો કશું ખોટું નથી. આ મંત્રાલયના માધ્યમથી ભાજપનાં મૂળિયાં ઊંડાં કરવાની મોદીની નેમ છે. ભારતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ જોરદાર છે ને ગામેગામ સુધી ફેલાયેલો છે. મોદીએ તેનો ઉપયોગ ભાજપને મજબૂત કરવા માટે કરવા આ નવું મંત્રાલય ઊભું કર્યું છે. ભાજપના ખીલા કોઈ ઉખેડી જ ના શકે એટલા ઊંડા ઠોકીને ભાજપને કોઈ સત્તામાંથી દૂર કરી જ ના શકે એવી સ્થિતિ સર્જવાની દિશામાં મોદીએ આ પહેલું પગલું ઉઠાવ્યું છે.
મોદીનો આ વિચાર રાજકીય રીતે અક્સીર ને અસરકારક સાબિત થશે તેમાં શંકા નથી પણ મોદીનો આ વિચાર મૌલિક નથી. મોદી કૉંગ્રેસને ગાળો આપ્યા કરે છે પણ કૉંગ્રેસના રસ્તે જ ચાલે છે. સહકાર દ્વારા સત્તાનો વિચાર પણ મોદીએ કૉંગ્રેસ પાસેથી જ ઉછીનો લીધો છે. કૉંગ્રેસે આઝાદી પહેલાં જે રસ્તો અપનાવેલો એ જ રસ્તો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અપનાવીને ગુજરાતના સહકારી ક્ષેત્ર પર કબજો કરી લીધેલો. હવે દેશભરમાં મોદી એ જ દાવ ખેલી રહ્યા છે.
કૉંગ્રેસની અસલી તાકાત સહકારી મોડલમાં હતી ને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વિઝનરી નેતાઓએ આઝાદી વખતે લોકોને એક કરવા તેનો અસરકારકતાથી ઉપયોગ કરેલો. સરદાર પટેલે સહકારી મોડલનો કઈ રીતે ઉપયોગ કર્યો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમૂલ મોડલ છે. ભારતમાં પશુપાલન વરસોથી થતું પણ તેને આજીવિકાનું સાધન બનાવીને કમાણી કરી શકાય ને આરામની જીંદગી જીવી શકાય છે એવું કોઈએ વિચાર્યું નહોતું. લોકો ઘરનાં દૂધ, ઘી ખાવા માટે જ પશુપાલન કરતાં.
સરદાર પટેલે પશુપાલનને જોરદાર કમાણી થાય એવું મોડલ બનાવ્યું. ખેડૂતોનું શોષણ બંધ કરાવવા સરદાર પટેલે સહકારી મોડલ અમલમાં મૂકવા મોરારજી દેસાઈને આણંદ મોકલ્યા હતા. મોરારજી દેસાઈને ચરોતરના ખેડૂતો વચ્ચે રહીને કામ કરતા ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્થ માણસને સાથે લઈને સહકારી મંડળીઓ બનાવડાવી. ત્રિભુવનદાસે ગામેગામ ફરીને ખેડૂતોને સહકારી મંડળીઓમાં જોડાવા સમજાવીને ગામેગામ દૂધ સહકારી મંડળીઓ ઊભી કરાવડાવી હતી. ત્રિભુવનદાસ પટેલે સહકારી દૂધ મંડળીઓનું નેટવર્ક બનાવ્યું તેના પર વર્ગીસ કુરીયને શ્વેત ક્રાંતિ કરી. અમૂલના મોડલ પર આખા દેશમાં સહકારી દૂધ મંડળીઓ સ્થપાઈ. આજે ગુજરાતમાં લાખો પરિવારો દૂધ મંડળીઓ પર નભે છે અને ગુજરાતની મહિલાઓ દૂધાળાં ઢોર રાખીને સ્વમાનભેર જીવે છે.
સહકારી મોડલની સફળતાનું અમૂલ જ્વલંત ઉદાહરણ છે પણ સહકારી મોડલનો અમલ બીજાં ઘણાં ક્ષેત્રોમાં સફળતાપૂર્વક થયો છે. દૂધ ઉત્પાદન ઉપરાંત શેરડીમાં પણ સહકારી પ્રવૃત્તિ આવી. ગુજરાતમાં તો બેંકિંગ પણ સહકારી ધોરણે ચાલે છે. દેશનાં બીજાં રાજ્યોમાં પણ અનેક પ્રકારની સહકારી પ્રવૃત્તિઓ ચાલે છે. સહકારી બેંકો, સહકારી સુગર મિલો, સહકારી મંડળીઓ, સહકારી ક્રેડિટ સોસાયટીઝ એમ અનેક સ્વરૂપમાં સહકારી મોડલનો અમલ કરાયો છે. દેશમાં કરોડો લોકો આ સહકારી મોડલનો લાભ મેળવે છે, તેમનાં આર્થિક હિતો સહકારી મોડલ સાથે જોડાયેલાં છે.
આઝાદી વખતે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો તેથી સહકારી ક્ષેત્ર પર કૉંગ્રેસનું પ્રભુત્વ હતું. સરદાર પટેલે બતાવેલા રસ્તે ચાલીને કૉંગ્રેસના નેતાઓ સહકારી પ્રવૃત્તિઓમાં ખૂંપી જ ગયા. સહકારી ક્ષેત્રના કારણે તેમનો લોકો સાથે જીવંત સંપર્ક રહેતો. સહકારી સંસ્થાઓ પર તેમનું વર્ચસ્વ હોય તેના કારણે લોકોએ ધિરાણ ને બીજી જરૂરિયાતો માટે તેમની આગળપાછળ ફર્યા કરવું પડે. કૉંગ્રેસે ચાલાકીપૂર્વક તેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કર્યો. ગુજરાત સહિતનાં રાજ્યોમાં આઝાદી પછીનાં વરસોમાં સત્તામાં આવેલા મોટા ભાગના નેતા સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કૉંગ્રેસને મત ના આપે તો સહકારી મંડળીમાંથી લોન ના મળે કે બીજા ફાયદા ના મળે તેથી લોકોએ મને-કમને પણ કૉંગ્રેસને જ મત આપવા પડતા હતા. લોકોને કરાવેલા નાના-નાના ફાયદાના બદલામાં મત મેળવીને કૉંગ્રેસે વરસો લગી દેશભરમાં સત્તા ભોગવી. મોદીએ કૉંગ્રેસ પાસેથી પ્રેરણા લઈને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર કબજો કરી લીધેલો. તેના કારણે ગુજરાતમાં ભાજપ એટલો મજબૂત થઈ ગયો કે, તેને હરાવવાનું કૉંગ્રેસનું ગજું જ નથી. એક સમયે ગુજરાતમાં કૉંગ્રેસની તોતિંગ સહકારી દૂધ ડેરીઓ પર કૉંગ્રેસનો કબજો હતો. અત્યારે ભાજપના નેતા ત્યાં ગોઠવાઈ ગયા છે. આ જ હાલત સહકારી બેંકો તથા બીજી મોટી સહકારી સંસ્થાઓમાં છે. તેમના માધ્યમથી ભાજપ સામાન્ય લોકોનાં હિતો સાચવે છે ને સત્તા ભોગવે છે. મોદી હવે એ જ વ્યૂહરચના રાષ્ટ્રીય સ્તરે અપનાવી રહ્યા છે. સહકારિતા મંત્રાલયની મદદથી વિપક્ષ નેતાઓનો પ્રભાવ હોય એવી સહકારી સંસ્થાઓને ભીંસમાં લાવીને ભાજપનો કબજો થાય તેવા દાવપેચ કરાશે. વિપક્ષી નેતાઓને ઘરભેગા કરાશે ને સરવાળે પોતાની મતબેંકને મજબૂત કરાશે. ભાજપ કે સાથી પક્ષોના પણ જે નેતા ઊંચાનીચા થથા હશે તેમને દંડો બતાવીને દબાવી દેવાશે.
અમિત શાહ તો આ બધા ખેલમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ છે. મોદીએ શાહને આ મંત્રાલય સોંપીને તેમને મનગમતું કામ સોંપી દીધું છે એમ કહીએ તો ચાલે. સહકારી ક્ષેત્રમાં રૂપિયો પણ અઢળક છે પણ કોર્પોરેટ કંપનીઓની જેમ તેમના માટે આકરા નિયમો નથી. મોટી સહકારી સંસ્થાઓનો વહીવટ પણ પારદર્શક ચાલતો નથી. સંસ્થાઓ પર કબજો કરીને બેસી ગયેલા નેતાઓ તેના રૂપિયો ઉસેટી ઉસેટીને માલદાર થાય જ છે. આ કારણે શાહનું મિશન આસાન છે. સંસ્થાઓ પર કબજો થાય પછી તેનો રૂપિયા ભાજપના લાભાર્થે વાપરવાનો રસ્તો પણ ખૂલી જાય તેથી ભવિષ્યમાં ફંડ માટે કોઈના પગ પકડવાના પણ ના રહે.
મોદી ગુજરાતમાં આ દાવમાં સફળ રહેલા કેમ કે ગુજરાતમાં કૉંગ્રેસ સામે તેમની ટક્કર હતી. દેશનાં તમામ રાજ્યોમાં એ સ્થિતિ નથી ને ઘણાં રાજ્યોમાં તો મોદીને ભૂ પિવડાવે એવા ધુરંધરો સહકારી ક્ષેત્રમાં અડિંગો જમાવીને બેઠા છે. મહારાષ્ટ્ર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેમના ભાયાતોનું સહકારી ક્ષેત્ર પર વર્ચસ્વ છે. આ વર્ચસ્વને તોડવું સરળ નથી ને પવાર જેવા નેતા સરળતાથી પોતાનો ગરાસ લૂંટાવા પણ ના દે. શાહ પાસે સત્તા છે તેનો ઉપયોગ એ કરવાના ને સામે પવાર જેવા નેતાઓ પોતાનું વર્ચસ્વ ટકાવવા પૂરી તાકાત લગાવી દેવાના એ જોતાં જોરદાર ટક્કર પણ થવાની જ છે. ટૂંકમાં હવે સહકારી ક્ષેત્ર પણ રાજકીય જંગનો અખાડો બનશે.