રિઝર્વ બેન્કે પંજાબસિંઘ બેન્કને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો….

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સરકારી માલિકીની પંજાબસિંઘ બેન્કને તોતિંગ ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાયબર સિક્યોરિટીના નિર્દેશોની કેટલીક જોગવાઇઓનું પાલન નહીં કરવા બદલ પંજાબ-સિંઘ બેન્કને રિઝર્વ બેન્ક દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સરકારી બેન્કે વિગતો આપતા કહ્યુ કે, સરકારી બેન્કે ૧૬ અને ૨૦ મે, ૨૦૨૦ના રોજ રિઝર્વ બેન્કને કેટલીક સાયબર હુમલાની જાણ કરી હતી. આ ઘટનાના અહેવાલોની તપાસ અને ફોરેન્સિક એનાલિસિસની રિપોર્ટથી જાણવા મળ્યુ કે,  ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં આવ્યુ નથી. ત્યારબાદ આરબીઆઇ એ પંજાબ-સિંઘ બેન્કને કારણદર્શક નોટિસ જારી કરી છે.
રિઝર્વ બેન્કે કહ્યુ કે, શો-કોઝ નોટિસ અંગે બેન્કના પ્રત્યુત્તર પર વિચારણા કર્યા બાદ, વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખકી રીતે કરાયેલી દલીલો અને બેન્ક દ્વારા રજૂ કરાયેલી સ્પષ્ટતા અને દસ્તાવેજોની તપાસ બાદ મધ્યસ્થ બેન્ક એવા તારણ પર પહોંચી છે કે, આરબીઆઇના નિર્દેશોનું પાલન ન થયુ હોવાના આરોપોની ખાતરી થઇ છે, આ કારણસર પંજાબ-સિંઘ બેન્કને નાણાંકીય દંડ કરવામાં આવે છે.
આ દરમિયાન કેટલાંક બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઇટાવાની નાગરિક સહકારી બેન્ક લિમિટેડને એક લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે. ઉપરોક્ત કેસો મામલે રિઝર્વ બેન્કે કહ્યુ કે, આ દંડ નિયામક પાલનના અભાવનું પરિણામ છે અને તેનો ઉદ્દેશ્ય તેમના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇ પણ વ્યવહાર અથવા કરારની માન્યતા સામે પ્રશ્ન ઉભો કરવાનો નથી.