કોરોનાના મૃતકોને વળતર આપવા સુપ્રીમ કોર્ટનો સરકારને આદેશ
દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વળતર નક્કી કરતા નથી પરંતુ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી માટે કોવિડ પીડિતોને વળતરની રકમ આપવી જરૂરી છે. આ રકમ ન આપીને એનડીએમએ પોતાની બંધારણીય ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. સરકાર કોરોના મૃતકોના પરિજનોને વળતર આપે. જો કે આ રકમ કેટલી હોવી જોઈએ તે સરકાર પોતે નક્કી કરે. કોર્ટે સ્વીકાર્યું કે કોવિડથી થયેલા મોત પર ચાર લાખ રૂપિયાનું વળતર આપવું શક્ય નથી.
આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કોરોના વાયરસ મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં અસમર્થતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આમ કરવું શક્ય નથી. કારણ કે તેનાથી સરકારનો ખજાનો ખાલી થઈ શકે છે. સરકારે કહ્યું હતું કે અમારું ફોકસ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રેક્ચર મજબૂત કરવા પર છે.
જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું અપાયું હતું એમાં સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવા કેન્દ્રિત છે.કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે, મહામારીના સમયે આ પ્રમાણેની સહાય કરવી શક્ય નથી.