પ્રવાસ માટે ‘યુનિવર્સલ ટ્રાવેલ પાસ’ની સિસ્ટમ લાગુ પડશે : લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે હવે સરકારની પરવાનગી જરૂરી….

મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા નિયંત્રણમાં આવ્યા પછી મહારાષ્ટ્ર સરકારના નાટકોનો અંત આવ્યો નથી. જાહેર પરિવહન ક્ષેત્રે બેસ્ટની બસ, એસટી, મેટ્રોમાં આમ જનતાને ટ્રાવેલ કરવાનું ચાલુ છે, પરંતુ લોકલ ટ્રેનના નિયંત્રણો વધુ આકરાં બનાવવાનો નિર્ણય લીધો છે. સરકાર આમ જનતાને હેરાન કરવાની એક પણ તક છોડવા માગતી નથી અને એના જ ભાગરૂપે લોકલ ટ્રેનમાં અત્યંત આવશ્યક સેવાવાળા લોકો માટે હવે ‘યુનિવર્સલ ટ્રાવેલ પાસ’ની વ્યવસ્થા ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મહાનગર અને પુણે મહાનગર રિજનમાં કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે ફરી આકરાં નિયંત્રણો લગાવવાનું ચાલુ કર્યું છે, જે અંતર્ગત

લોકલ ટ્રેનમાં નિયંત્રિત પ્રવાસીઓ ટ્રાવેલ કરે તેના માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. મુંબઈ સબર્બન રેલવેમાં બનાવટી ઓળખપત્રો સાથે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થયા પછી સરકારી પરવાનગી પછી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

બનાવટી આઈડી (ઓળખપત્ર) સાથે ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થવાથી તેના નિયંત્રણ માટે સરકારે યુનિવર્સલ પાસ સિસ્ટમને લાગુ પાડવાનો નિર્ણય લીધો છે. સરકાર માન્ય લોકોને જ વિન્ડો પરથી ટિકિટ અથવા પાસ મળી શકશે, એવું સરકારી અધિકારીએ જણાવ્યું હતું. કોરોનાની બીજી લહેરને કારણે સરકારે ફરી આમ જનતા પર લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા અને ફક્ત સરકારી કર્મચારી, મેડિકલ ક્ષેત્રના લોકોને જ ટ્રાવેલ કરવાની માન્યતા આપી હતી. શરૂઆતના તબક્કે લોકલ ટ્રેનમાં રોજના પાંચથી છ લાખ જેટલા પ્રવાસી ટ્રાવેલ કરતા હતા, પરંતુ હવે રોજના (વર્કિંગ દિવસમાં) ૧૦થી ૧૫ લાખ જેટલા લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરવા લાગ્યા છે. લોકલ ટ્રેનમાં પ્રવાસીની સંખ્યામાં વધારા અંગે રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહે છે કે પશ્ર્ચિમ રેલવેમાં જ પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં બનાવટી આઈડી સાથે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના ૭૪૦ જેટલા કેસ નોંધ્યા હતા. ઉપરાંત, આરપીએફ દ્વારા ૭૦ જેટલા કેસ નોંધ્યા હતા. લોકલ ટ્રેનમાં બનાવટી આઈડી મારફત ટ્રાવેલ કરવાનું પ્રમાણ વધ્યું છે, તેથી લોકોમાં વધુ સંક્રમણ ફેલાય નહીં તેના માટે શક્ય છે કે પ્રશાસન દ્વારા નવું પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે. આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક સુમિત ઠાકુરે કહ્યું હતું કે સરકાર દ્વારા નવા પરિપત્રની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કઈ તારીખથી ચાલુ કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરી નથી. આમ છતાં સરકાર માન્ય અત્યંત આવશ્યક શ્રેણી હેઠળના કર્મચારીને ક્યુઆર કોડ આપવામાં આવશે અને તેના આધારે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

આ મુદ્દે મુંબઈ રેલવે યાત્રી પરિષદના પ્રમુખ સુભાષ ગુપ્તાએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર આમ આદમીને પરેશાન કરવાની એક પણ તક છોડવા માગતી નથી. એક બાજુ સરકાર અનલોકની વાત કરે છે તો બીજી બાજુ આ પ્રકારના આકરા પ્રતિબંધો મૂકીને જનતાનું લોહી પાણી એક કરે છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન આઠથી ૧૦ નગરપાલિકાને કવર કરે છે. થાણે પાલિકા લેવલ ટૂમાં છે, જ્યારે નવી મુંબઈનું એવું જ છે, જ્યારે મુંબઈ લેવલ ટૂમાં આવ્યા પછી પણ હજુ પ્રશાસન લોકોને પીડા આપવાનું બંધ કરતી નથી. નિર્દયી સરકાર લોકોની સહનશીલતાની પરીક્ષા કરી રહી છે. લોકો લાચાર છે, પરંતુ તેની ધીરજ ખૂટી જશે એ દિવસે લોકો રસ્તા પર જ નહીં, રેલવેના પાટા પર આવીને વિરોધ પ્રદર્શન કરશે. હજુ પણ લોકો ઘરે બેઠા છે. જો લોકો બનાવટી ઓળખપત્ર મારફત ટ્રાવેલ કરતા હોય તો તેમની મજબુરી છે. રાજ્ય સરકારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જો લોકો ઘરે બેસી રહેશે તો હતાશ થઈને તેમને આત્મહત્યા કરવાની નોબત આવશે, તેથી લોકહિતમાં સરકારે નક્કર નિર્ણય લેવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

કોરોનાની પહેલી અને બીજી લહેરને કારણે સૌથી પહેલા લોકલ ટ્રેનમાં સામાન્ય જનતા પર પ્રવાસમાં પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરિણામે સૌથી પહેલા જનતાની રોજગારી પર અસર પડે છે. સરકાર નિયમિત રીતે લોકો પર પ્રતિબંધ મૂકતી હોવાથી લોકોની હાલાકી વધી રહી છે. આ મુદ્દે પ્રશાસન યોગ્ય નિર્ણય લેવાનું જરૂરી છે, એમ અન્ય પ્રવાસી સંગઠને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં કોરોના પૂર્વે રોજ ૭૫થી ૮૦ લાખ લોકો ટ્રાવેલ કરતા હતા.