કાશ્મીર મુદ્દે સાડા ચાર કલાકની બેઠકમાં વાતોનાં વડાં થયાં…. નક્કર કોઈ નિર્ણય લેવાયો નહીં……..

જમ્મુ અને કાશ્મીર મુદ્દે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠક અંગે જોરદાર ઉત્સાહનો માહોલ ઊભો કરાયેલો પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈને ઉભો રહી ગયો. મોદીએ જમ્મુ અને કાશ્મીરના સાત રાજકીય પક્ષના ૧૪ નેતાઓને નોતરેલા. મોદી તેમની સાથે કાશ્મીર મામલે ચર્ચા કરશે, કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય એ માટે મનોમંથન કરશે ને પછી કોઈ મોટો નિર્ણય લેશે એવું મનાતું હતું પણ એવું કશું થયું નહીં ને બધી વાતો ફૂસ્સ થઈ ગઈ. સાડા ચાર કલાકની બેઠકમાં વાતોનાં વડાં થયાં ને નક્કર કોઈ નિર્ણય લેવાયો નહીં. મોદીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની બેઠકોના નવા સીમાંકન પછી વહેલી તકે વિધાનસભા ચૂંટણી કરાવવાની વાત તો કરી પણ આ ચૂંટણી ક્યારે થશે તેનો ફોડ ના પાડ્યો.

મોદીએ બધા નેતાઓને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કામ કરવાની સલાહ આપી કે જેથી જમ્મુ કાશ્મીરના લોકોને ફાયદો થાય. મોદીએ જમ્મુ કાશ્મીરમાં તમામ લોકોની સુરક્ષા અને સલામતીનું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો પણ કશું નક્કર એલાન ના કર્યું. મોદીને નવાં નવાં સૂત્રો આપવાનો ને ડાહી ડાહી વાતોનો ચસકો લાગેલો છે. આ બેઠકમાં પણ તેમણે એ જ કર્યું ને કાશ્મીરના નેતાઓ સામે જ્ઞાન પિરસ્યું કે, આ બેઠક જમ્મુ કાશ્મીરથી દિલ્લીનું અંતર અને દિલનું અંતર બંને ઘટાડવા બોલાવાઈ છે.

આ બેઠક પછી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તેનો જવાબ આપીને કહી દીધું કે, મોદી સાહેબ દિલનું અંતર ઘટાડવાની વાત કરી રહ્યાં છે પણ એક બેઠકથી કે મુલાકાતથી ના તો દિલનું અંતર ઘટશે કે ન તો દિલ્હીનું. મોદી સાહેબ એક બેઠક કરીને વધારે પડતી આશા રાખી રહ્યા છે. ઉમર અબ્દુલ્લાએ કહેલી વાતમાં કાશ્મીરના નેતાઓને કેન્દ્ર સરકાર તરફ જે અવિશ્ર્વાસ છે તેનો પડઘો છે. જમ્મુ અને કાશ્મીર મુદ્દે બેઠક થઈ રહી હોવાથી તેનાથી દૂર રહેવું કાશ્મીરી પ્રજાના હિતમાં ન કહેવાય તેથી ઉમર સહિતના નેતા બેઠકમાં હાજર તો રહ્યા પણ બેઠકમાં કશું નક્કર ના થયું તેના કારણે પેદા થયેલી હતાશાનો પણ ઉમરની વાતમાં પડઘો છે.

આ હતાશા કે અવિશ્ર્વાસ કેમ છે તે પણ સમજવા જેવું છે. કાશ્મીર ખીણના સાત પ્રાદેશિક પક્ષોએ બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી પછી ગુપકાર એલાયન્સ બનાવ્યું છે ને આ ગુપકાર એલાયન્સની મુખ્ય ત્રણ માગણીઓ છે. ગુપકાર એલાયન્સ જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ને પુનસ્થાપિત કરવા માગે છે. મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ નાબૂદ કરવાની સાથે સાથે કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરીને જમ્મુ અને કાશ્મીર તથા લડાખ એ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. ગુપકાર એલાયન્સ જમ્મુ અને કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માગે છે.

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન પણ કરવા માગે છે કે જેથી ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ કાશ્મીરનાં બદલાયેલાં ભૌગોલિક સમીકરણો પ્રમાણે થાય. ગુપકાર જોડાણને તેની સામે પણ વાંધો છે અને આ વાંધાનો નિકાલ થાય એ પછી જ સીમાંકનની પ્રક્રિયા શરૂ થાય એવો તેમનો આગ્રહ છે. મોદીએ બોલાવેલી બેઠકમાં આ ત્રણમાંથી કોઈ એક મુદ્દે તો ચર્ચા થશે જ એવી આશાએ કાશ્મીરના નેતા હોંશે હોંશે દિલ્હી દોડી આવેલા પણ એકેય મુદ્દે ચર્ચા જ ના થઈ. કાશ્મીરના નેતાઓએ પોતાની રીતે આ માગણીઓ ઉઠાવી પણ મોદીએ પોતે કે સરકાર વતી કોઈએ કશી ખાતરી ના આપી.

ભારતના બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ને પુન:સ્થાપિત કરવાની માગણી સ્વીકારી શકાય તેમ નથી તેથી કાશ્મીરના નેતા ઊંચા થઈને પછડાય તો પણ મોદી તેના વિશે કશું કહે એવી આશા ના રખાય. બંધારણની કલમ ૩૭૦ને કારણે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો મળેલો જ્યારે કલમ ૩૫ને કારણે કાશ્મીરી પ્રજાને વિશેષાધિકારો મળેલા. કોઈ પણ પ્રજા આ પ્રકારના વિશેષાધિકારો કે ખાસ દરજ્જો છોડવા તૈયાર ના જ થાય. કાશ્મીરી પ્રજા પણ એ છોડવા તૈયાર નથી ને પ્રજાની લાગણી સમજીને કાશ્મીરના રાજકારણીઓ એ મુદ્દો ઉઠાવે છે. એ લોકો તેમનું કામ કરે છે ને મોદી તેમનું કામ કરે છે તેથી કલમ ૩૭૦ અને ૩૫ એ વિશે કશું થઈ શકે તેમ નથી તેથી એ મુદ્દે કશું બોલવાનો અર્થ નથી એ સમજી શકાય એવી વાત છે.

જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરીને જમ્મુ અને કાશ્મીર તથા લડાખ એ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય પણ રાષ્ટ્રના હિતમાં છે. કાશ્મીરી નેતા પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દાને ભલે ચગાવે પણ આ મુદ્દો હવે પતી ગયેલો છે. મોદી સરકાર આ મુદ્દે ચર્ચા માટે પણ તૈયાર ના થાય તો તેમાં કશું ખોટું નથી પણ વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી એ બે મુદ્દા એવા છે કે જે અંગે ચર્ચા પણ થઈ શકે ને નક્કર નિર્ણય પણ લઈ શકાય.

વિધાનસભા બેઠકોના નવા સીમાંકન મુદ્દે પ્રાદેશિક પક્ષોને ઘણા વાંધા છે. નવું સીમાંકન ભાજપને ફાયદો કરાવાય એ રીતે થઈ રહ્યું છે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. આ આક્ષેપ રાજકીય છે તેથી તેની ચર્ચા ના થાય પણ જે જેન્યુઈન વાંધા છે તેની ચર્ચા તો ચોક્કસ થઈ જ શકે. સીમાંકનની પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂરી થશે તેની સમયમર્યાદા પણ નક્કી નથી એ મુદ્દો પણ સ્પર્શ્યા વિનાનો જ રહી ગયો ને મોદી સરકારે આ મુદ્દે કંઈ ના કર્યું. બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ નાબૂદ કરી દેવાઈ એ વાતને બે વર્ષ પૂરાં થવા આવ્યાં છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિ ફરી શરૂ થવી જ જોઈએ. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં ચૂંટાયેલી સરકારના બદલે લેફ્ટનન્ટ ગવર્નર કે લશ્કર રાજ કરે શરમજનક કહેવાય. મોદી સરકારે આ સ્થિતિનો ઉકેલ શોધવા ક્યારે ચૂંટણી થશે તેનો ફોડ પાડવો જોઈતો હતો.

આ જ વાત જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે લાગુ પડે છે. મોદી સરકાર સતત એક જ રેકર્ડ વગાડે છે કે, સ્થિતિ સામાન્ય થશે ને યોગ્ય સમય આવશે એટલે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાશે. સ્થિતિ સામાન્ય થાય તેની વ્યાખ્યા શું ? ને યોગ્ય સમય ક્યારે આવશે ? આ બે મોટા સવાલોના જવાબો પણ મળ્યા નથી ને ક્યારે મળશે તેની ખબર નથી કેમ કે આ મુદ્દે ચર્ચા જ ન થઈ.

કાશ્મીરના મોટા ભાગના પ્રાદેશિક પક્ષોનું રાજકારણ મુસ્લિમ મતબેંક આધારિત છે તેથી તેમને બેઠકથી સંતોષ ના થયો પણ હિંદુવાદીઓને પણ સંતોષ થાય એવું કશું થયું નથી. જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો મુદ્દો કાશ્મીરી પંડિતો સહિતના હિંદુઓના વિસ્થાપનનો છે. કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકામાં આતંકવાદ વકર્યો પછી હિંદુઓને પહેરેલાં લૂગડે કાશ્મીર ખીણ છોડવાની ફરજ પડાઈ હતી. આ હિંદુઓમાં પંડિતો વધારે હતા. આતંકવાદના કારણે લાખો હિંદુઓ બેઘર થઈ ગયા. જમ્મુ અને દિલ્હીની નિરાશ્રિત છાવણીઓમાં આ હિંદુઓ સાવ દયનિય દશામાં જીવે છે. તેમનો ભૂતકાળ અંધકારમય બની ગયો, વર્તમાન પણ અંધકારમય છે પણ ભાવિ અંધકારમય ના રહે એવી સ્થિતિ ચોક્કસ પેદા કરી શકાય.

મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી ત્યારે એવી મોટી મોટી વાતો કરેલી કે, હવે કાશ્મીરી પંડિતોને ફરી પોતાના વતનમાં વસાવવાની દિશામાં નક્કર કામગીરી કરાશે, બેઘર થયેલા હિંદુ ફરી કાશ્મીર ખીણમાં વસી શકશે. હિંદુવાદી સંગઠનો પણ એ વખતે કાશ્મીરી પંડિતોની સમસ્યા ઉકેલાઈ જ ગઈ હોય એવી કૂદાકૂદ કરતાં હતાં. આ વાતને પોણા બે વરસ થઈ ગયાં ને અત્યારે સ્થિતિ શું છે? હિંદુઓને કાશ્મીર ખીણમાં વસાવવાની વાત તો છોડો પણ એ અંગે કાગળ પર તો કાગળ પર પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. મોદીની બેઠકમાં હિંદુઓ વિશે અછડતા ઉલ્લેખ સાથે વાતો થઈ પણ કશું નક્કર થયું નથી. હિંદુવાદી સંગઠનોના નેતા પણ ઘરે જઈને સૂઈ ગયા છે ને કાશ્મીરી હિંદુઓ બિચારા કોઈ દેવદૂત આવીને પોતાનું ભાવિ બદલશે તેની આશામાં દાડા કાઢી રહ્યા છે.

કાશ્મીર મુદ્દે પહેલાંની સરકારોએ કશું નહોતું કર્યું ને આ મુદ્દાને લટકતો રાખ્યો. મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ને નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધા. જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો પણ પછી હાલત એ જ થઈને ઊભી રહી ગઈ છે કે જ્યાં પહેલાં હતી. બે મોટા નિર્ણયો કાગળ પર રહી ગયા છે ને તેનો આપણે ફાયદો લઈ શક્યા નથી.