જયલલિતા બાદ હવે ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના…..

બોલીવૂડની ‘ક્વીન’ ફિલ્મો પસંદ કરવાના મામલામાં એકદમ નિપુણ છે અને તેને આ બાબતમાં કોઈ જ બીટ કરી શકે એમ નથી. આ વાત અત્યારે અહીં એટલા માટે કરવી પડી, કારણ કે તે મોટા ભાગે મહિલાકેન્દ્રી ફિલ્મો કરવા પર જ વધારે ભાર મૂકે છે. હાલમાં જ તેણે તામિલનાડુનાં ભૂતપૂર્વ દિવંગત સીએમ જયલલિતા પર બનેલી ફિલ્મ ‘થલાઈવી’માં મુખ્ય ભૂમિકા કરી છે અને હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે તેણે એક નવો પ્રોજેક્ટ સાઈન કર્યો છે અને તેમાં તે દેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની ભૂમિકા કરતી જોવા મળશે.

હાલમાં તે આ પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને તેણે સોશિયલ મીડિયા પર આ અંગેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં કંગનાનો મેકઅપ કરવામાં આવી રહ્યો છે અને આર્ટિસ્ટ તેના ચહેરા પર બ્લુ રંગનો પેઈન્ટ લગાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટા જોઈને દર્શકોના મનમાં કંગના ઈન્દિરા બનશે ત્યારે કેવી લાગશે, એવું કુતૂહલ જોવા મળી રહ્યું છે. કંગના રનૉટે આ ફોટોની સાથે પોસ્ટ શેર કરતાં એવું લખ્યું છે કે દરેક પાત્ર એ નવી યાત્રાની એક સુંદર મજાની શરૂઆત છે અને આજે અમે ઈમર્જન્સી અને ઈન્દિરાથી આ વાતની શરૂઆત કરી છે. મેકઅપ આર્ટિસ્ટ તેમના કામે લાગી ગયા છે અને તેઓ મારા ચહેરા અને શરીરને પાત્રને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તૈયારીમાં મારી સાથે ઘણા લોકો જોડાયા છે અને આ ખરેખર એક બેસ્ટ ફિલ્મ બનશે. કંગનાની આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે અને તેના કેટલાક ચાહકોએ હાર્ટ, ફાયર, ફાયર ક્રેકર્સના ઈમોજીસ પોસ્ટ કરીને કંગનાની આ પોસ્ટને વધાવી લીધી છે. જોકે, આ તો કંગનાએ હાલમાં આ વાતની સત્તાવાર માહિતી આપી બાકી એવા સમાચાર તો બહુ પહેલાં આવી ગયા હતા કે ઈમર્જન્સીના સમય પર ફિલ્મ બની રહી છે અને કંગના તેમાં મુખ્ય ભૂમિકા કરતી જોવા મળશે. હવે કંગનાએ પોસ્ટ કરેલા ફોટોને કારણે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મની વાર્તા ઈમર્જન્સીની આસપાસ ફરશે અને એમાં દર્શકોને આ કટોકટીના સમયના કેટલાક ફેક્ટ્સ પણ જાણવા મળશે.

આ સિવાય પણ સોશિયલ મીડિયા પર હાલમાં કંગનાની એક બીજી પોસ્ટ પણ ખૂબ જ વાઈરલ થઈ રહી છે જેમાં તેણે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરી નાખવું જોઈએ એવું સૂચન કર્યું છે. પોતાના આ સૂચન અંગે સ્પષ્ટીકરણ આપતાં તેણે જણાવ્યું છે કે ઈન્ડિયા એ બ્રિટિશરોની દેણ છે અને આ નામને હજી સુધી અપનાવવું એટલે આપણે હજી તેમની ગુલામી કરી રહ્યા છીએ એવું લાગે. આપણે આપણી પ્રતિષ્ઠા, સંસ્કૃતિ અને સભ્યતાનું પણ ધ્યાન રાખવાનું છે અને તેનું જતન કરવાનું છે. જોકે, કંગનાએ કરેલી આ બંને પોસ્ટ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ તો રામ જાણે, પણ કંગનાને ઈંદિરા ગાંધી જેવી દમદાર પર્સનાલિટીની ભૂમિકામાં જોવી એ દર્શકો માટે ખરેખર એક ટ્રીટ સમાન છે. કંગનાની ફિલ્મ ‘થલાઈવી’ વિશે વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પહેલાં આવી ચૂક્યું છે અને દર્શકોએ તેને ખૂબ જ પસંદ પણ કર્યું હતું. મેકર્સે તો આ ફિલ્મને એપ્રિલ મહિનામાં રિલીઝ કરવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝને ટાળી દેવામાં આવી હતી. જયલલિતાની ભૂમિકામાં કંગના એકદમ પરફેક્ટ લાગી રહી છે અને હવે ઈંદિરા ગાંધી પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરીને કંગના તેના ચાહકોને એક અમૂલ્ય ભેટ આપી રહી છે. આ સિવાય કંગના ‘તેજસ’ અને ‘ધાકડ’ જેવી ફિલ્મોમાં પણ કામ કરતી જોવા મળશે અને આ ફિલ્મોના સેટ પરથી પણ તેણે ફોટા પોસ્ટ કર્યા હતા. કંગનાની છેલ્લી કેટલીક ફિલ્મો વિશે વાત કરીએ તો તે બોક્સ ઓફિસ પર ખાસ કંઈ જાદુ ચલાવી શકી નહોતી એવામાં આ ત્રણેય ફિલ્મોથી કંગના ફરી દર્શકોનાં દિલો પર અને બોક્સ ઓફિસ પર રાજ કરે છે કે નહીં એ તો સમય આવ્યે જ ખબર પડશે!