લોકડાઉન અને કોરોનાકાળ આલિયાને બરોબરનાં ફળ્યાં : એક પછી એક પ્રોજેક્ટ તે સાઈન કરતી જ જઈ રહી છે….

અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટનો ઘોડો એકદમ પુરજોશમાં દોડી રહ્યો છે, કારણ કે એક પછી એક પ્રોજેક્ટ તે સાઈન કરતી જ જઈ રહી છે. હજી તો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ કરી રહી છે અને હવે એવું સંભળાઈ રહ્યું છે કે સંજય લીલા ભણસાલી પોતાના બીજા એક પ્રોજેક્ટ વિશે પણ આલિયા સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ‘ગંગુબાઈ’ને કારણે આલિયા અને સંજય વચ્ચેનું બોન્ડિંગ વધુ ને વધુ સ્ટ્રોન્ગ થતું જઈ રહ્યું છે. એટલું જ નહીં સંજય આલિયાની કામ કરવાની પદ્ધતિથી ખૂબ જ ખુશ છે અને એટલે જ કદાચ તે તેની સાથે પોતાના આગામી પ્રોજેક્ટની ચર્ચા કરી રહ્યા છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર કી બાત પર વિશ્ર્વાસ કરીએ તો કદાચ આલિયા ભણસાલીના ખૂબ લાંબા સમયથી અટકી પડેલા પ્રોજેક્ટ ‘ઈન્શાઅલ્લાહ’માં પણ કામ કરતી જોવા મળશે. પહેલાં ભણસાલી આ ફિલ્મ આલુબેબી અને સલમાન ખાન સાથે બનાવવા માગતા હતા, પરંતુ કોઈક કારણસર સલ્લુમિયાંએ આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો અને બસ ત્યારથી આ પ્રોજેક્ટની ફાઈલ અભરાઈ પર ચઢાવી દેવામાં આવી. પણ હવે ભણસાલી ફરી આ પ્રોજ્ક્ટ પર કામ કરવા માગે છે અને તેમણે આલિયાને તો ક્ધફર્મ રાખી છે અને હવે સલમાનની જગ્યાએ ગ્રીક ગોડ તરીકે ઓળખાતા રિતિક રોશનનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ મામલે ભણસાલીએ કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત નથી કરી, પણ કદાચ હવે આલિયા અને રિતિકની જોડી ભણસાલીની આગામી ફિલ્મમાં જોવા મળે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

પ્રોફેશનલ લાઈફ સિવાય આલિયા પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ હેપ્પી ફેઝમાંથી પસાર થઈ રહી છે. હમણાં જ થોડાક સમય પહેલાં તેણે સોશિયલ મીડિયા પર રણબીર કપૂર સાથે વેકેશન પર ઊપડી ગઈ હોવાના ફોટો પોસ્ટ કર્યા હતા. આ સિવાય અત્યારે આલિયા એક પાકિસ્તાની રેપર પર ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને તેણે રેપરનાં વખાણ કરતાં લખ્યું હતું કે ‘બહુત હાર્ડ’. વાત જાણે એમ છે કે આમ તો આલિયાની ફેન ફોલોઈંગ ક્લબ ખૂબ જ મોટી છે, પણ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ગલીબૉય’માં તેણે કરેલા અદ્ભુત પ્રદર્શન બાદ લોકો તેને વધારે પસંદ કરવા લાગ્યા. હવે આલમ એ છે કે ભારતના પડોશી દેશમાં આલિયાની લોકપ્રિયતાનો ડંકો વાગી રહ્યો છે અને ત્યાંના જ મુહમ્મદ શાહ નામના રેપરે આલિયા ભટ્ટ માટે એક ખાસ રૅપ તૈયાર કર્યું હતું અને તેણે આ રૅપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ‘ગલીબૉય’ના આધાર પર તૈયાર કરવામાં આવેલ આ રૅપ સાંભળીને આલિયા એટલી બધી અભિભૂત થઈ ગઈ હતી કે તે પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે કમેન્ટમાં ‘બહોત હાર્ડ’ એવું લખી દીધું હતું. હવે સોશિયલ મીડિયા પર આલિયાનું આ રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ જ વર્ષે ૩૦મી જુલાઈના રિલીઝ કરવામાં આવશે અને આ સિવાય નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ લાઈનમાં જ છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળશે. આ ઉપરાંત એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ તો ખરી જ અને આપણે અગાઉ વાત કરી એ ભણસાલી સાથેની ફિલ્મો તો એના એકાઉન્ટમાં બોલે જ છે.

ટૂંકમાં કહેવાનું થાય તો લોકડાઉન અને કોરોનાકાળ આલિયાને બરોબરનાં ફળ્યાં છે, કારણ કે તે એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરતી જ જઈ રહી છે. આલિયાના ફેન્સ માટે તો આ એક ગુડ ન્યુઝ જ છે, કારણ કે તેમને આવનારા સમયમાં આલિયા વધુ ને વધુ સમય સ્ક્રીન પર જોવા મળશે!