મોદી કોરોના સામે એકલા કેમ લડે છે…..??? આરોગ્ય મંત્રીનું પદ શોભા પૂરતું છે…?!? પોતાના મંત્રીઓને કામની વહેચણી કેમ નથી કરતાં…???

ભારતમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ને એક દિવસમાં કોરોનાના નવા કેસોનો આંકડો સાડા ત્રણ લાખની લગોલગ આવી ગયો છે. આપણે ત્યાં ગયા વરસે કોરોનાએ કાળો કેર વર્તાવેલો ત્યારે પણ રોજના કેસનો આંકડો કદી બે લાખને પાર નહોતો ગયો જ્યારે આ વખતે તો સળંગ છઠ્ઠો દિવસ એવો છે કે જ્યારે ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે. મૃત્યુ આંકના મામલે પણ એ જ હાલત છે. રવિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક લગીમાં ૨૭૬૭ લોકોનાં કોરોનાના કારણે મોત થયાં ને આ પણ નવો રેકોર્ડ જ છે એ કહેવાની જરૂર નથી. અત્યારે જે રીતે કોરોનાના કેસ ને મોતનો આંકડો વધી રહ્યો છે એ જોતાં બહુ જલદી રોજ જ કોરોનાના કેસ પાંચ લાખ ને મોતનો આંકડો પાંચ હજારને પાર થઈ જશે એવું લાગે છે.

આ પ્રકારની સ્થિતિની ચેતવણી અપાઈ જ રહી છે. હૈદરાબાદ અને કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલોજી (આઈઆઈટી)ના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી જ છે કે, મે મહિનાના મધ્ય લગીમાં ભારતમાં ૩૫ લાખ એક્ટિવ કેસ હશે ને ભારતની હાલત કફોડી થઈ જશે. અત્યારે આપણને દસ લાખ દર્દીઓની સારવાર કરતાં ફીણ પડે છે ત્યારે સાગમટે ૩૫ લાખ દર્દીઓની સારવાર કઈ રીતે કરીશું એ વાત વિચારીને જ પરસેવો વળી જાય છે.

બીજી બાજુ અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે સંકળાયેલા ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ‘કોવિડ-૧૯ પ્રોજેક્શન’ ટાઈટલ હેઠળ એક સ્ટડી કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનું તારણ એવું છે કે, ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે અને એ વખતે ભારતમાં રોજ ૫૬૦૦ લોકો ઢબી જતાં હશે. આ અભ્યાસના તારણ પ્રમાણે ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે કોરોના સંક્રમણથી આશરે ૩ લાખ લોકો જીવ ગુમાવશે.અત્યારે જ આપણી હાલત બરાબરનો બૂચ વાગી ગયો હોય એવી છે ત્યારે આ તારણો સાચાં પડશે તો આપણી શું હાલત થશે એ વિચારીને જ ચક્કર આવી જાય છે.

આ ચેતવણીઓ વચ્ચે ઑક્સિજનનો કકળાટ તો ચાલુ જ છે ને સમયસર ઑક્સિજન ન મળવાને કારણે લોકોનો મરવાનો સિલસિલો પણ ચાલુ છે. મોદી સાહેબ ઑક્સિજનની તંગી નથી એવા સધિયારા આપ્યા કરે છે ને બીજી બાજુ જ્યાં કોરોનાનો કકળાટ વધારે છે એવાં રાજ્યોમાં ઑક્સિજનના અભાવે લોકોનાં મોત પણ ચાલુ છે. શનિવારે જ દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઑક્સિજનની તંગીના કારણે ૨૦ દર્દી ઢબી ગયા જ્યારે પંજાબના અમૃતસરમાં છ દર્દીનાં મોત થયાં. આ તો મોટી મોટી ઘટનાની વાતો કરી જ્યારે ઑક્સિજનના અભાવે એકલ-દોકલ દર્દી મરી જતા હશે તેનો તો કોઈ હિસાબ જ નથી.

મોદી સરકાર ઉપરાછાપરી થઈ રહેલાં મોતના પગલે જાગી છે ને ઑક્સિજનની વ્યવસ્થા કરવા ઘાંઘી થઈને દોડાદોડી કરી રહી છે. એક બાજુ લશ્કરને કામે લગાડાયું છે તો બીજી તરફ મોટી મોટી હોસ્પિટલોને પણ પોતાના ઑક્સિજન પ્લાન્ટ બનાવવા કહી દેવાયું છે. મોદીએ પોતે બનાવેલા પીએમ કેર્સ ફંડની નાણાં કોથળી પણ ઢીલી કરી છે. પીએમઓ દ્વારા રવિવારે જાહેરાત કરાઈ કે, દેશભરમાં ૫૫૧ સરકારી હોસ્પિટલોમાં ઑક્સિજન પ્લાન્ટ બનાવવા માટેનાં નાણાં પીએમ કેર્સ ફંડમાંથી અપાશે.

ઑક્સિજનની અછતને પહોંચી વળવા બીજા પણ પગલાં લેવાઈ રહ્યાં છે. આ બધી ક્વાયત આમ તો બહુ મોડી છે પણ છતાં જરૂરી છે કેમ કે ઑક્સિજનના અભાવે મોતનો સિલસિલો અટકવાનો નથી. આ ક્વાયતના કારણે થોડાંક લોકોના પણ જીવ બચશે તો એ લેખે લાગશે. અત્યાર લગી આપણે જે ના કર્યું એ જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે થાય તો પણ ઠીક છે.

ઑક્સિજનની અછતના કકળાટમાં એક મોટી વાત તરફ પણ લોકોનું ધ્યાન દોરવું જરૂરી છે. મોદી પોતે શા માટે આ જવાબદારી બીજા કોઈ મિનિસ્ટરને સોંપી ના શક્યા ને હજુ પણ સોંપતા નથી? મોદી કેબિનેટમાં કોઈ જ પ્રકારની લાયકાત ના હોય ને માત્ર ને માત્ર ખુશામતખોરી ને ચાપલૂસી કરવાની લાયકાત હોય એવા મિનિસ્ટર્સની સંખ્યા વધારે છે એ કબૂલ પણ એ પછીય ઘણા એવા પ્રધાનો છે જ જે મોદી કરતાં સારું આયોજન કરી શકે ને મોદી કરતાં વધારે અસરકારક રીતે તંત્ર પાસેથી કામ લઈ શકે. મોટા ભાગના મિનિસ્ટર્સ સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ ને નિર્મલા સીતારામનની કક્ષાના જીહજૂરિયા છે પણ અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર વગેરે એવા ગણ્યાગાંઠ્યા મિનિસ્ટર્સ છે જ કે જે આ પ્રકારના કામ અસરકારક રીતે પાર પાડી શકે.

ઑક્સિજનનું ઉત્પાદન કંઈ રોકેટ સાયન્સ નથી કે તેના માટે બહુ મોટો એક્સપર્ટ્સ જોઈએ કે ઝાઝી મહેનત કરવી પડે. દેશમાં ઑક્સિજનનો પ્લાન્ટ નાંખવો એ બહુ મોટો નીતિવિષયક નિર્ણય પણ નથી કે જેના માટે કેબિનેટની મંજૂરીની જરૂર પડે કે પર્યાવરણને લગતાં કે પછી બીજા કોઈ પણ પ્રકારનાં પાસાં પર વિચાર કરવો પડે. ઑક્સિજન પ્લાન્ટમાં ખર્ચ પણ એટલો બધો નથી. ૨૫૦ બેડની હોસ્પિટલને આખો મહિનો ચાલે એટલો ઑક્સિજન મળતો રહે એવો પ્લાન્ટ બનાવવા પાછળ માંડ ત્રીસેક લાખ રૂપિયાનો ખર્ચ થાય. બહુ ખર્ચ કરો તો પણ પચાસ લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ ના થાય.

આપણે ત્યાં સો-બસો કરોડ રૂપિયાનું આંધણ કરીને બનાવાયેલી હોસ્પિટલોની સંખ્યા ઢગલો છે. મોદીએ કહ્યાગરા નહીં પણ કામગરા એવા કોઈ મિનિસ્ટરને જવાબદારી સોંપી દીધી હોત ને તેમણે ગયા વરસે ઑક્સિજનની અછતની ચેતવણી અપાઈ ત્યારે જ કામ શરૂ કરી દીધું હોત તો પણ અત્યારે મોટા ભાગની મોટી હોસ્પિટલો પાસે પોતાના ઑક્સિજન પ્લાન્ટ હોત. એ સિવાય નાની-નાની હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે એ માટેના પ્લાન્ટ પણ થોકબંધ બની ગયા હોત.

એમ્પાવર્ડ ગ્રુપે ચેતવણી આપી એ પછી તરત કામ હાથ પર લેવાયું હોત તો પણ અત્યારે દેશમાં ચારસો ઑક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયા હોત ને ઑક્સિજનની રોકકળ ના હોત. રાજ્યો માટે પણ આ ખર્ચ વધારે નથી તેથી રાજ્યોએ પણ રમતાં રમતાં વરસમાં પચીસેક પ્લાન્ટ તો નાંખી દીધા હોત. આપણે ત્યાં મોટાં ને મધ્યમ કક્ષાનાં ૨૫ રાજ્યો છે. એ બધા પચીસ-પચીસ પ્લાન્ટ બનાવે તો પણ ૫૦૦ પ્લાન્ટ થઈ જાય. દેશમાં ઑક્સિજનના વધારાના ૯૦૦ પ્લાન્ટ બન્યા હોત તો ઑક્સિજનની મોંકાણ સર્જાઈ હોત ખરી ? બિલકુલ નહીં.

સવાલ છે કે, એવું કેમ ના થયું? કેમ કે મોદીને બધો જશ પોતે લેવો છે. આ માનસિકતાના કારણે એ અધિકારીઓ પર ભરોસો મૂકે છે પણ પ્રધાનો પર મૂકતા નથી. બીજા કોઈ મિનિસ્ટરને જવાબદારી સોંપે ને એ આખા દેશમાં ઑક્સિજનની અછત નથી એવી ગોઠવણ એ કરી દે તો તેની વાહવાહ થઈ જાય. મોદીથી એ સહન થતું નથી તેથી બધો ભાર પોતે વેંઢારીને ચાલે છે. તેના કારણે યોગ્ય સમયે નિર્ણય લેવાતા નથી ને છેવટે ઑક્સિજનનો કકળાટ થઈ ગયો એવી હાલત થઈને ઊભી રહી જાય છે.

મોદીએ આ માનસિકતા બદલવી પડે ને સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને કામ વહેંચવા પડે. મુખ્યમંત્રીઓ સાથે બેઠકો પણ હું કરું ને ઑક્સિજનના ઉત્પાદકો સાથે પણ વાત હું જ કરું ને દવા-રસીના ઉત્પાદકો પણ સીધા મને જ બધું કહે એવું ના ચાલે. અધિકારીઓ પર ભરોસો છે એટલો ભરોસો પોતાના પ્રધાનો પર પણ મૂકવો પડે ને તેમની ક્ષમતાનો ઉપયોગ કરવો પડે. કોરોનાની લડાઈ અત્યારે મુખ્યત્વે ચાર મોરચે ચાલે છે. રસીકરણ, ઑક્સિજન, દવાઓ અને મેડિકલ સવલતો. મોદી પોતાની સરકારના ચાર સિનિયર મિનિસ્ટર્સને એક-એક કામની જવાબદારી સોંપી દે ને પોતે તેમને માર્ગદર્શન આપ્યા કરે, રાજ્યો સાથે વાત કર્યા કરે તો પણ બધું સમુંસૂતરું ચાલે. કોઈ મુશ્કેલી ના થાય, કોઈ કકળાટ ના થાય.

કમનસીબે એવું થતું નથી. બીજા બધાંની વાત છોડો પણ અત્યારે દેશના આરોગ્યમંત્રી પાસે પણ મહત્ત્વનું કહેવાય એવું કશું કામ નથી. એ રાજકીય આક્ષેપબાજીઓમાં ને મોદી બોલાવે એ બેઠકમાં હાજર રહેવા સિવાય કશું કરતા નથી. અમિત શાહ સિવાયના બીજા પ્રધાનોને તો મહત્ત્વની બેઠકોમાં હાજર પણ રખાતા નથી. કોઈ વાર હાજર રખાયા હોય તો શોભાના ગાંઠિયાની જેમ બેસી રહેવા સિવાય કશું કરવાનું હોતું નથી. કોરોનાની લડાઈ આખા દેશે મળીને લડવાની છે એવું મોદી કહ્યા કરે છે પણ પોતાના પ્રધાનોને પણ એ લડાઈમાં સામેલ કરી નથી રહ્યા ત્યારે આ લડાઈ અસરકારક રીતે લડી શકાશે કે કેમ તેમાં શંકા છે.